50થી વધુ મેમો હોય તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશે
ટ્રાફીક પોલીસે ‘હિટ લિસ્ટ’ આર.ટી.ઓ.ને મોકલ્યું
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને ઈ-મેમો ન ભરતા વાહનચાલકો સામે હવે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત રીતે કડક કાર્યવાહી શરૂૂ કરી છે. જો તમારા વાહનના 50થી વધુ ઈ-મેમો પેન્ડિંગ હશે, તો હવે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ રદ થઈ શકે છે. 20 લોકોના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂૂ મળતી માહિતી મુજબ, રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓ વિભાગને આવા 20 રીઢા વાહનચાલકોની યાદી સોંપવામાં આવી છે. આ વાહનચાલકોના 50થી વધુ ઈ-મેમો બાકી હોવાના કારણે, ટ્રાફિક પોલીસે આરટીઓને તેઓના લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવા માટે ભલામણ કરી છે.
વાહન જપ્તીની ચીમકી ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસની તપાસમાં રાજકોટ શહેરમાં આશરે 300 જેટલા એવા લોકો સામે આવ્યા છે, જેમના નામે 50 કે તેથી વધુ ઈ-મેમો બાકી બોલી રહ્યા છે. લાંબા સમયથી દંડ ન ભરતા આ વાહન માલિકો સામે આગામી સમયમાં લાયસન્સ રદ કરવા ઉપરાંત સાધન જપ્તી (વાહન ડિટેઇન) કરવાની પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગેનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતા RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, ‘હાલ ટ્રાફિક પોલીસ દ્વારા અમને 20 જેટલા લોકોનું લિસ્ટ આપવામાં આવ્યું છે, જેઓના 50થી વધુ ઈ-મેમો બાકી છે. આ યાદીના આધારે તેમના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આગામી સમયમાં ટ્રાફિક પોલીસ દ્વારા અન્ય યાદી મળ્યે વધુ લાયસન્સ રદ કરવાની કામગીરી પણ કરવામાં આવશે.’