હિટ એન્ડ રનની ઘટનામાં નબીરાને બચાવવા ડ્રાઇવર બદલી નખાયો
રાજકોટ તાલુકા પોલીસે ખેલ પાડયાનો આરોપ, સીસીટીવી ફૂટેજ રજૂ કરાતા તપાસનો આદેશ
ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્ર અને સૌરાષ્ટ્ર યુનિ.ના કાયદા વિભાગના હેડના પુત્રને બચાવી લેવાયા
રાજકોટ હિટ એન્ડ રન કેસમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા તાલુકા પોલીસે જ ડ્રાઈવર બદલી નાખ્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. 21મી માર્ચે ન્યારી ડેમ રોડ પર 18 વર્ષીય એક્ટિવાચાલક યુવકને પૂરપાટ આવતી કારે ટક્કર મારી ફંગોળી નાખ્યો હતો. જેની હાલત હજુ સુધી ગંભીર છે આ મામલે ઇજાગ્રસ્ત યુવકનાં પરીવારજનોએ ગૃહ મંત્રી તથા પોલીસ કમિશનરને કરેલી પુરાવા સાથેની રજુઆત બાદ તપાસનાં આદેશ આપવામા આવ્યા છે અને આ ઘટનામા યુનિ. કાયદા વિભાગનાં હેડ રાજુ દવેનાં પુત્ર અને ભાભા ગેસ્ટ હાઉસનાં માલીકનાં પુત્રને બચાવવા પોલીસે ખેલ પાડયો હોવાનો આક્ષેપ કરવામા આવતા આગામી દિવસોમા આ મામલે નવા જુનીનાં એંધાણ દેખાઇ રહયા છે.
મળતી વિગતો મુજબ સત્ય સાંઇ રોડ પર સિલ્વર એવન્યુમા રહેતા ક્રિશ અમીતભાઇ મેર દ્વારા પોલીસ કમિશનર તેમજ ગૃહમંત્રીને કરેલી અરજીમા જણાવ્યા મુજબ પરાગ ગોહેલ નામનો 18 વર્ષનો યુવાન ગત તા 21 માર્ચનાં રોજ બપોરે 3.ર8 મિનીટે ન્યારી ડેમ રોડ પર આઉટ ઓફ બોક્ષ વાળા ચોક માથી પોતાનુ એકટીવા નં જીજે 3 એનએસ 9979 લઇને કાલાવડ રોડ તરફથી ન્યારી ડેમ બાજુ બેલાવીસ્ટા બંગલોએ જતો હતો ત્યારે જીજે 3 એનવી 6411 નંબરની ટાટા નેક્ષોન કારે તેને ઉલાળ્યો હતો. પરાગ ફુટબોલની જેમ કાર ઠોકરે ચડી દુર પટકાયો હતો.
સીસીટીવી ફુટેજ મુજબ કારમા 3 લોકો બેઠેલા હોય જેમાથી અકસ્માત બાદ પાછળનાં દરવાજેથી એક વ્યકિત આવીને ડ્રાઇવર સીટ પર અને ડ્રાઇવર સીટ પર બેઠેલ વ્યકિત પાછળની સીટ પર બેસી ગયો હતો તેવુ દર્શાવ્યુ હતુ. ઇજાગ્રસ્ત પરાગને સારવાર અર્થે સિવીલ હોસ્પીટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પીટલમા ખસેડાયો છે પરાગને બ્રેઇન હેમરેજ થયુ હોય અને તેની હાલત હાલ ગંભીર હોય આ બનાવ અંગે ક્રિશ અમીત મેરની ફરીયાદને આધારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ બનાવમા ચાલક તરીકે પ્રવિણસિંહ બચુભા જાડેજા પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો હોય આ મામલો શંકાસ્પદ હોય પરાગનાં પરીવારજનોએ સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા તેમજ ગાડી નંબર અંગે તપાસ કરતા આ કાર ગીત ગુર્જર સોસાયટી એરપોર્ટ રોડ પર રહેતા ભાભા ગેસ્ટ હાઉસનાં માલીક રાજેશકુમાર મગનલાલ મહેતાની આ કાર હતી અને આ કારમા બનાવ વખતે રાજેશ મહેતાનો પુત્ર અને ચાલક તરીકે સૌરાષ્ટ્ર યુનિ. કાયદા વિભાગનાં હેડ રાજુભાઇ મુરલીભાઇ દવેનો પુત્ર હોવાનુ જાણવા મળ્યુ હતુ. અકસ્માત બાદ પોલીસે તપાસ યોગ્ય નહી કરી એફઆઇઆરમા પણ ડ્રાઇવર તરીકે પ્રવિણસિંહ જાડેજાનુ નામ દર્શાવ્યુ હોય ડ્રાઇવર બદલી નાખવામા આવ્યાનુ સ્પષ્ટ પણે પુરવાર થાય છે.
આ મામલે તાલુકા પોલીસ મથકનાં પીએસઆઇ એસ. પી. ચૌહાણ અને તેના રાઇટર દ્વારા ફરીયાદીને આ આક્ષેપ બદલ ધમકાવીને ખોટા ગુનામા ફીટ કરી દેવાનુ કહયુ હતુ અને પીએસઆઇએ ફરીયાદીનાં મોટા ભાઇ નમન મેરને તમારે ફરીયાદ લખાવી છે કે નહી તેવુ કહી પોલીસ જે ફરીયાદ લખશે તે રીતે જ લખાશે તેમ કહી રાઇટર નીલેશ ચાવડાએ પણ ધમકી આપી હતી. આ બાબતે ગૃહ મંત્રી અને પોલીસ કમિશનરને કરેલી રજુઆતમા પુરાવા સાથે પરાગનાં પરીવારજનોએ કરેલી રજુઆત બાદ આ મામલે ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવા દ્વારા તપાસનાં આદેશ આપવામા આવ્યા છે. હીટ એન્ડ રનનાં બનાવમા નબીરાને બચાવવા તાલુકા પોલીસે પાડેલા ખેલ મામલે તપાસમા મોટો ખુલાસો થઇ શકે છે.
બનાવ વખતે પરાગનાં ફોનમાં પરિવાર સાથે વાત કરનાર કોણ?
21 માર્ચે બનેલા બનાવમા પરાગ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તે બનાવ સ્થળે ઇજાગ્રસ્ત હાલતમા પડયો હતો ત્યારે ક્રિશ દ્વારા પરાગનાં ફોનમા ફોન કરવામા આવ્યો ત્યારે અજાણ્યા વ્યકિતએ ફોન ઉપાડી પરાગનુ એકિસડન્ટ થયુ છે અને પરાગ જીવે છે કે મરી ગયા છે તે કહી શકાય નહી તેવુ કહયુ હતુ. આ બનાવ બાદ પરાગનાં મોબાઇલમા વાતચીત કરનાર વ્યકિત કોણ તે મામલો પણ તપાસનો વિષય છે. અકસ્માત સર્જનાર નબીરાઓએ કદાચ ફોનમા વાતચીત કર્યાની શંકા સેવાઇ રહી છે.
પોલીસને ગેરમાર્ગે દોર્યાનું સામે આવશે તો વધુ એક ગુનો નોંધાશે
બનાવમાં ડ્રાઇવર બદલ્યાનો આક્ષેપ થઇ રહ્યો છે ત્યારે આ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલ અકસ્માતના બનાવમાં પ્રવિણસિંહ જાડેજા ડ્રાઇવીંગ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે પોલીસે હજુ સુધી કોઇ સતાવાર ધરપકડ કરી નથી. સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ બાદ પોલીસ આ મામલે સત્ય શું છે તે જાણ્યા બાદ આગળની કાર્યવાહી કરશે. પોલીસ સમક્ષ ડ્રાઇવર તરીકે રજુ થયેલા પ્રવિણસિંહ જાડેજા ખરખેર ડ્રાઇવીંગ કરતા હતા કે અન્ય કોઇ તે સ્પષ્ટ થયા બાદ પોલીસને ગેરમાર્ગે દોર્યાનું સામે આવશે તો પ્રવિણસિંહ જાડેજા સામે પણ ગુનો નોંધાઇ શકે છે.
સીસીટીવી ફુટેજ અફએસએલમાં મોકલાયા: ભૂલ કરનાર સામે પગલા લેવાશે: ડીસીપી બાંગરવા
ન્યારી ડેમ રોડ પર અકસ્માત પ્રકરણમાં નબીરાઓને બચાવવાનું કારસ્તાન હવે ખુલ્લું પડી ગયુ છે. રાજકોટના ઉઈઙ ઝોન 02 બાંગરવાએ સ્વીકાર્યું કે આરોપી બદલાયા હતા અને પ્રવીણસિંહ જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે અકસ્માત સમયે કાર એક સગીર ચલાવી રહ્યો હતો અને હવે આ સગીર યુવક પર આરોપી તરીકે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે પોલીસે પોતાની શરૂૂઆતની તપાસમાં થયેલી ગેરરીતિને સ્વીકારી લીધી છે. અકસ્માત જે ગાડીથી થયો તે ગાડી ભાભા હોટેલના માલિકની હોવાનુ સામે આવ્યુ છે. અકસ્માત દરમિયાન ગાડીમાં કાયદા ભવનના વડાનો પુત્ર અને ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર સાથે હતા. ત્યારે આ મામલે હવે નબીરાઓની ઓળખ થઈ ચૂકી છે અને પોલીસની પોલ પણ છતી થઈ ગઈ છે. આ બનાવની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ચૌહાણ પાસેથી આંચકી લેવાઇ છે અને આ ઘટનાની અન પોલીસની કામગીરી તપાસના આદેશ અપાયા છે અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે સીસીટીવી ફુટેજ એફએસએલમાં મોકલી કોણ ડ્રાઇવીંગ કરતું હતું ત સ્પષ્ટ થયા બાદ જરૂરી કાર્યવાહી કરાશે.