જૂનાગઢ યાર્ડમાંથી 38 લાખના તલ ભરેલા ટ્રક સાથે ડ્રાઈવર નાસી છૂટ્યો
જુનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડમાંથી એક અત્યંત ચોંકાવનારી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રાજસ્થાન પાસિંગના ટ્રક ડ્રાઇવરે વેપારીને લાખો રૂૂપિયાનો ચૂનો લગાડ્યો છે. જેતપુરના વેપારીએ મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચાડવા માટે ટ્રકમાં ભરાવેલો ₹37.95 લાખની કિંમતનો 800 કટ્ટા સફેદ તલનો જથ્થો લઈને ટ્રક ચાલક રસ્તામાંથી જ ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ જુનાગઢના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ટ્રક ડ્રાઇવર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ફરિયાદી હરેશભાઈ વલ્લભભાઈ પાઘડાર (ઉ.52) રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહે છે અને જુનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરે છે. હરેશભાઈએ ગત તારીખ 17 સપ્ટેમ્બર, 2025 ના રોજ તેમના 800 કટ્ટા (કુલ 36.150 કિલોગ્રામ) સફેદ તલનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂૂપિયા 37,95,750 થવા જાય છે, તે એક ટ્રક ડ્રાઇવરને સોંપ્યો હતો.
આ તલનો જથ્થો જુનાગઢથી મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે આવેલી શીતલ ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચાડવાનો હતો. જે માટે ટ્રક ટ્રેઇલર નંબર RJ 47 GA 7634ના ડ્રાઇવરને નિયત ડિલિવરીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જોકે, સમય મર્યાદા વીતી ગયા બાદ પણ માલ ગ્વાલિયરની કંપની સુધી પહોંચ્યો ન હતો, અને ટ્રક ચાલકનો ફોન બંધ આવતા વેપારીને છેતરપિંડી થયાની શંકા ગઈ હતી. ટ્રક ચાલકે તલનો જથ્થો નિયત સ્થળે ન પહોંચાડી, ટ્રક સાથે જ ભાગી છૂટ્યો હોવાનું સ્પષ્ટ થતાં, હરેશભાઈ પાઘડારે તાત્કાલિક જુનાગઢના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.