મોરબીના ઘૂંટુ નજીક ચાલુ રિક્ષામાં આગ લાગતા દાઝી ગયેલા ચાલકે દમ તોડ્યો
મોરબીના આદરડા ગામે રહેતો યુવાન પોતાની સીએનજી રીક્ષા લઈને શાકભાજી ભરવા મોરબી જઈ રહ્યો હતો ત્યારે હળવદ રોડ ઉપર ઘુંટુ કેનાલ પાસે ચાલુ રિક્ષામાં આગ ભભૂક્તા યુવાન દાઝી જતા તેને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. મોરબી તાલુકાના આદરડા ગામે રહેતો વસંતભાઈ અમરશીભાઈ ચાવડા નામનો 35 વર્ષનો યુવાન સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાની સીએનજી રીક્ષા લઈને મોરબી શાકભાજી ભરવા જતો હતો ત્યારે હળવદ રોડ ઉપર ઘુંટુ કેનાલ પાસે ચાલુ રિક્ષામાં અચાનક આગ ભભૂકતા વસંત ચાવડા આગની લપેટમાં આવી ગયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયા તેનુ ચાર દિવસની સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. પ્રાથમિક પૂછપરછમાં વસંત ચાવડા ત્રણ ભાઈમાં મોટો છે અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ચાર માસ પહેલા જ વસંત ચાવડાએ નવી રીક્ષા લીધી હતી અને ગઈકાલે શાકભાજી લેવા જઈ રહ્યો હતો ત્યારે આગળનું પ્લાસ્ટિક સળગતા આગ ભભૂકી ઉઠી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.