પી લે પી લે...! ગિફ્ટ સિટીમાં ‘પીવા’ ના નિયમો વધુ હળવા
કંપનીનો કર્મચારી પાંચ ‘વિઝિટર’ માટે પરમિટની ભલામણ કરી શકશે
ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું લઇ ગિફ્ટ સિટી વિસ્તારમાં નશાબંધીના અમલમાં વધુ કેટલીક છૂટછાટો જાહેર કરી છે. આને લીધે ગિફ્ટ સિટીમાં કામ કરતા વિવિધ કંપનીઓના કર્મચારીઓ અને મુલાકાતીઓને શરાબ પીવાની છૂટ મળશે. ગિફ્ટ સિટી વિસ્તારમાં સરકારે ગુજરાત નશાબંધી કાયદો, 1949માં કેટલીક છૂટછાટો આપી હતી.
જેનાથી અત્યાર સુધી સંબંધિત કંપનીઓના કર્મચારીને તેના મહેમાનો માટે કામચલાઉ શરાબ પરમિટની લાંબી પ્રક્રિયા કરવી પડતી હતી. હવે 15 એપ્રિલ, 2025ના રોજ બહાર પડાયેલા જાહેરનામાથી કંપનીઓ અને તેના કર્મચારીઓ, મુલાકાતીઓ માટે વધુ છૂટછાટ આપવામાં આવી છે અને હવે સંબંધિત કંપનીના કર્મચારી પોતે જ પરમિટ મેળવી શકે એવી છૂટ અપાઇ છે.
આ નવા સુધારેલા જાહેરનામા પ્રમાણે, ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ સીધા જ ફોર્મ-અ સંબંધિત અધિકારીને સુપરત કરી લિકર પરમિટ મેળવી શકશે. અગાઉ સંબંધિત કંપનીઓમાં એક અધિકારી જ આવી પરમિટ માટે ફોર્મ ભરવાની મંજૂરી અંગે અધિકૃત કરાયા હતા. તેની મંજૂરી આવશ્યક હતી. હવેથી આવા અધિકારીની ભલામણની આવશ્યક્તા નથી. લિકર પરમિટ મળી ગયા પછી તે અધિકૃત અધિકારી અને નશાબંધી અને આબકારી જકાતના સુપ્રિટેન્ડન્ટ સમક્ષ રજૂ કર્યા પછી ગિફ્ટ સિટીમાં માન્ય હોટેલ્સ અને બારમાંથી લિકરની મજા માણી શકશે. સૌથી મહત્વની છૂટછાટ એ આપવામાં આવી છે કે હવે ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીનો કર્મચારી પાંચ જેટલા મુલાકાતી માટે લિકર પરમિટની ભલામણ કરી શકશે. આ માટે કર્મચારીએ ફોર્મ-2 ભરવાનું રહેશે અને મુલાકાતીઓ સંબંધિત માન્ય વાઇન અને ડાઇન એરિયામાં જ તેનો ઉપયોગ કરી શકશે. કામચલાઉ લિકર પરમિટ ધરાવનાર મુલાકાતીઓને એક જ દિવસ માટે લિકર પરમિટ મળશે. જોકે, જરૂૂર જણાય તો નવી પરમિટ માટે પ્રયત્ન કરી શકશે.
સંબંધિત પરમિટ ફોર્મમાં મુલાકાતીઓના નામ સરનામા સહિતની વિગતો ભરવાની રહેશે.
જોકે, લિકર પરમિટ આપવા માટે અધિકૃત અધિકારી જરૂૂર જણાય તો ગિફ્ટ સિટી દ્વારા નિયત કરાયેલા અધિકારીને પરમિટ માટેનું ફોર્મ મોકલી શકશે. ભલામણ અધિકારી સંબંધિત કંપનીના એચઆર વડા, પીઆરઓ અથવા જવાબદાર અધિકારીને પણ મોકલી શકશે.નવા નિયમોથી કાયમી અથવા કામચલાઉ પરમિટ ધરાવતા લોકોને ગિફ્ટ સિટીમાં ગ્રૂપ પરમિટ માટે સરળતા રહેશે.
સરકારને એક વર્ષના 94.19 લાખની આવક
ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં જાન્યુઆરી 2024થી જાન્યુઆરી 2025 સુધીના એક વર્ષમાં સરકારને દારૂૂના વેચાણ પેટે 94.19 લાખ રૂૂપિયાની આવક થઇ હતી. તે દર્શાવે છે કે ગિફ્ટ સિટીમાં કરોડો રૂૂપિયાનો દારૂૂ પીવાયો છે. આ સમયગાળામાં વાઇનનું 470 બલ્ક લિટર, બિયરનું 19,915 બલ્ક લિટર અને સ્પિરીટનું 3324 બલ્ક લિટરમાં વેચાણ થયું હતું.