સત્રના છેલ્લા દિવસે ગૃહમાં ડ્રામા-ડાયલોગબાજી: મકવાણાએ બિલ ફાડ્યું, ગોપાલ-કાના વચ્ચે તડાફડી
હર્ષ સંઘવીએ સેવન્થ ડે સ્કૂલ મુદ્દે ઇમરાન ખેડાવાલાને કહ્યું, તમારે ધ્યાન રાખવું કે તમારા છોકરાઓમાં ઝનૂન કેમ ફેલાય છે! ભારે હોબાળો મચ્યો
ગુજરાતની પંદરમી વિધાનસભાનું સાતમું સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂૂ થયું હતું. ત્રણ દિવસના સત્રનો આજે 10 સપ્ટેમ્બરના રોજ ત્રીજો દિવસ છે, ત્યારે સત્રની શરૂૂઆત પ્રશ્નોત્તરીકાળથી કરવામાં આવી છે. હાલ ગૃહમાં નકારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’ પર ચર્ચા ચાલી રહી છે. જેમાં સભ્યો પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે.
ચર્ચા દરમિયાન ઉમેશ મકવાણાએ ગૃહમાં બિલ ફાડી નાખતા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને ઠપકો આપ્યો હતો. તો ગોપાલ ઈટાલિયાની ચાલુ સ્પીચમાં કાંતિ અમૃતિયા બે વાર અકાળાઈને ઉભા થઈ જતા વિધાનસભામાં ઈટાલિયા-અમૃતિયા વચ્ચે તડાફડી જોવા મળી હતી.
પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કેટલીક શાળાઓમાં કેટલાક બાળકો સાથે ભેદભાવપૂર્વક વર્તન કરવામાં આવે છે તે સંદર્ભનો પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્ન અગાઉ તેમણે એવું કહ્યું કે મણીનગરની સેવન્થ ડે હાઈસ્કૂલમાં જે ઘટના બની તેનું મને ખૂબ જ દુ:ખદ છે અને હું તેને વખોડી કાઢું છું. ત્યારબાદ જવાબ આપવા ઉભા થયેલા શિક્ષણમંત્રીએ એવું કહ્યું કે તમારે ધ્યાન રાખવું જોઈએ, છોકરાઓમાં ઝનૂન કેમ ફેલાય છે. તમારે સમજાવું જોઈએ. શિક્ષણમંત્રીના આ જવાબથી ગૃહમાં સન્નાટો છવાઈ ગયો હતો અને તુરંત જ કોંગ્રેસના ધારાસભ્યોએ ઉભા થઈને હોબાળો મચાવ્યો હતો. પરંતુ અધ્યક્ષ શંકર ચૌધરીએ હાથના ઇશારાથી ધારાસભ્યને બેસાડી દીધા હતા.
પ્રશ્નોત્તરીનો સમય પૂરો થયા બાદ વિધાનસભામાં આ મુદ્દાને લઈને ભારે ચર્ચા થઈ રહી છે અને ખુદ કેટલાક મંત્રીઓ પણ માને છે કે શિક્ષણમંત્રીએ ગૃહની અંદર આ પ્રકારનું નિવેદન આપવાની જરૂૂરત નહોતી. મહત્વનું છે કે ઈમરાન ખેડવાલા મુસ્લિમ સમાજમાંથી આવતા ધારાસભ્ય છે અને સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર વિદ્યાર્થી પણ મુસ્લિમ સમાજનો વિદ્યાર્થી છે. આમ ચોક્કસ સમુદાયને લઈને ધ્યાન રાખવાનું શિક્ષણમંત્રીનું નિવેદન ચર્ચાસ્પદ છે. ઈમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યો હતો કે, RTE હેઠળ એડમિશન લેતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે. આ બાદ કુબેર ડીંડોરે કહ્યું કે બાળકોમાં સંસ્કાર આપવાની જવાબદારી આપણી છે. ઈમરાન ખેડાવાલા જેવા પ્રતિનિધિની ખાસ જવાબદારી છે કે બાળકોમાં આવું ઝનૂન કેવી રીતે પેદા થાય?. આટલું બોલતા જ ઇમરાન ખેડાવાળા અકળાઈ ઉઠ્યા હતા.
RTE અંતર્ગત એડમિશન લેનાર બાળકો સાથે અમદાવાદની 4 સ્કૂલોમાં ભેદભાવ
રાઈટ ટુ એજ્યુકેશન (RTE ) અંતગર્ત એડમિશન મેળવેલા બાળકો સાથે શાળાઓ દ્વારા ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદનો મુદ્દો ગુજરાત વિધાનસભાના ગૃહમાં ઉછળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવતા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોળ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં આરટીઈ પ્રવેશના બાળકો સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેમણે સરકારને પૂછ્યું કે આ અંગે કેટલી ફરિયાદો મળી છે અને શું કાર્યવાહી કરવામાં આવી છે. તેના જવાબમાં સરકારે જણાવ્યું કે અમદાવાદ શહેરની 4 શાળાઓ સામે આ પ્રકારની ફરિયાદ મળી છે અને તેમને નોટિસ પણ પાઠવવામાં આવી છે. ખેડાવાલાએ વધુમાં જણાવ્યું કે અમદાવાદ જિલ્લામાં જે બાળકોને પ્રવેશ મળે છે તેમને અન્ય બાળકોથી અલગ રાખવામાં આવે છે, તેમને રમત-ગમતના સાધનો વાપરવા દેવામાં આવતા નથી, અને તેમની સાથે અલગ વર્તન કરવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકારે માત્ર નોટિસ આપવાની કાર્યવાહી કરી છે, પરંતુ કોઈ દંડાત્મક પગલાં લીધા નથી.
પાટણની યુનિવર્સિટી ખોટી જગ્યા પર ચાલે છે છતાય સરકારની કાર્યવાહી નહીં
ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રના ત્રીજા દિવસે તારાંકિત પ્રશ્નોત્તરી દરમિયાન પાટણની એમ.કે. યુનિવર્સિટીને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સરકારને સવાલ કર્યો હતો કે, શું એમ.કે. યુનિવર્સિટીને ફાળવેલી જગ્યા કરતાં અન્ય સ્થળે ચાલી રહી છે? આ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં સ્વીકાર્યું કે, હા, યુનિવર્સિટી ખરેખર ફાળવેલી જગ્યાથી અલગ સ્થળે કાર્યરત છે.
પેટા પ્રશ્નના જવાબમાં સરકારે ચોંકાવનારી વાત સ્વીકારી કે, આ મુદ્દે અગાઉથી જ ત્રણ ફરિયાદો મળી ચૂકી છે. જોકે, જ્યારે ધારાસભ્યએ આ ફરિયાદો અંગે કાર્યવાહીની વિગતો પૂછી, ત્યારે સરકારે જણાવ્યું કે, આ ફરિયાદોને લઈને નિયમોનુસાર કાર્યવાહી હાલ વિચારણા હેઠળ છે. આ જવાબથી સ્પષ્ટ થાય છે કે ત્રણ ફરિયાદો છતાં સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધાં નથી. વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા ગરમાઈ હતી, કારણ કે સરકારનો વિચારણા હેઠળનો જવાબ ઘણાને અસંતોષકારક લાગ્યો. આ ઘટના સરકારની શૈક્ષણિક સંસ્થાઓની દેખરેખ અને જવાબદારીની ગંભીરતા પર પણ સવાલ ઉભા કરે છે.