કુલપતિનો ચાર્જ સંભાળતા ડો.ઉત્પલ જોશી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવી દિશા આપવા નિર્ધાર
જયાં ભણ્યા ત્યાંના જ પડકારોને ખાળવાની તક મળતા આનંદ વ્યક્ત કર્યો
સરકાર દ્વારા નિયુકત કરાયેલા ડો.ઉત્પલ જોશીએ સરસ્વતીને ફુલહાર અને પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડની પ્રતિમાને વંદન કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાયમીનો ચાર્જ સંભાળ્યો હતો. હોમ પીચ પર બેટીંગ કરવાની તકને સૌભાગ્ય ગણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને હાલના પડકારોમાંથી યુનિવર્સિટીને બહાર કાઢી નવી દિશા આપવાનો આશાવાદ વ્યકત કર્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કાયમી કુલપતિ ડો. ઉત્પલ જોષીએ આજે ચાર્જ લેતાની સાથે જ રમૂજ કરતા જણાવ્યું હતું કે, અમે ઙવ.ઉ. વાળા ફેઇક ડોકટર કહેવાય. જોકે, સાચા ડોકટર કમલ ડોડિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવી છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકેની 5 વર્ષની ટર્મ સંભાળવા માટે નિમણૂક કરી છે તેનાથી આનંદ અને ગૌરવની લાગણી થાય છે એટલા માટે કે જે યુનિવર્સિટીમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો હોય અને ત્યાં જ કામ કરવાની તક મળે તેનો આનંદ શબ્દોમાં ન કહી શકાય.
આ સાથે જ તેમણે જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અગાઉ ખૂબ જ સારી ગરીમા હતી. બહાર જઈએ તો લોકો પૂછતા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આવો છો? ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સહિતના વિભાગોમાં અગાઉ ખૂબ જ સારું કામ થતું હતું જેથી આશા રાખીએ કે તમામના સાથ સહકારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગવી છાપ ઊભી કરીએ. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે છે માટે જે લાગણી છે તે દૂર કરીએ અને પોઝિટિવ વાતાવરણ ઊભું કરીએ. હાલ પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો મોટામાં મોટો પડકાર છે અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. જેની ચિંતા કરી સ્પર્ધાના સમયગાળામાં કઈ રીતે આપણે ટકી રહીએ.