સુતા નહીં... મારે કાંઈ સાંભળવું નથી, કામ ચાલુ રાખો
ખાડાઓના પ્રશ્ર્ને લોકોના આક્રોશ બાદ મુખ્યમંત્રીનો ગુસ્સો ફાટ્યો, સવારમાં વીડિયો કોન્ફરન્સ યોજી કલેક્ટરો-મ્યુ. કમિશનરો અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓના ક્લાસ લઈ નબળું કામ કરનાર કોન્ટ્રાકટરો વિરુધ્ધ પગલા લેવાના કર્યા આદેશ
રાજ્યમાં રસ્તા અને બ્રીજના સમારકામની કામગીરીનું અભિયાન પુરજોશમાં ચાલુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ તમામ વિભાગોને દોડતા કરી ગઈકાલે તમામ વિભાગોના અધિકારીઓ સાથે મીટીંગ યોજી સુચનાઓ આપ્યા બાદ આજે ફરીવખત રાજ્યના મહાનગરપાલિકા, નગરપાલિકા, હાઈવે ઓથોરીટી, આરએનડી વિભાગ, કલેક્ટર વિભાગ સહિતના વિભાગના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી કામોની પરિસ્થિતિનો અહેવાલ લઈ તમામ વિભાગને સુતા નહીં કામ ચાલુ રાખો મારે બીજુ કંઈ સાંભળવુ નથી. લોકોની ફરિયાદ ન આવી જોઈએ તેવી સુચનાઓ આપી શહેર કરતા હાઈવે ઉપર વધારે નુક્શાન થયું હોય હાઈવે ઓથોરીટી અને માર્ગ-મકાન વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી દરેક વિભાગને સુચના આપી લોકોની ફરિયાદો હલ ન થાય ત્યાં સુધી કામ ચાલુ રાખવામાં આવે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, કલેક્ટર વિભાગ, માર્ગ-મકાન વિભાગ, હાઈવે ઓથોરીટી સહિતના વિભાગોના અધિકારીઓ કલેક્ટર તેમજ મ્યુનિ. કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હાલમાં ચાલતી તમામ પ્રકારની કામગીરી અંગે પ્રશ્ર્નોતરી તેમજ રિવ્યુ લીધા હતાં. મહાપાલિકા અને નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્રના વડાઓ પાસેથી રોડ રસ્તા અને અન્ય પુલોની સલામતી અંગે વિગત મેળવી બાકી રહેલ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનીસૂચના આપી હતી. તેમજ માર્ગ એન્ડ મકાન વિભાગ અને હાઈવે ઓથોરીટીને તાત્કાલીક ધોરણે બાકી રહી ગયેલા અન્ય પુલોની સલામતી અંગે સઘન ચકાસણી કરી તેનો અહેવાલ સરકારમાં મોકલવો તેમજ મરમત અથવા નવા પ્રોજેક્ટ જરૂરી હોય તો તે અંગે તુરંત કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવેલ.
આ ઉપરાંત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં શહેરોમાં, રોડ રસ્તાની કામગીરીનો રોજે રોજનો રિપોર્ટ આપવા તેમજ જરૂરત પડ્યે દિવસ-રાત કામગીરી નિરંતર ચાલુ રાખવાની કડક સુચના આપી હતી અને હાલમાં ચાલતી કામગીરી માટે જે એજન્સીઓની કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય તેઓએ નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરાવી તેમજ નબળી ગુણવત્તાવાળા રોડ-રસ્તાનું કામ કર્યુ હોય તેવી એજન્સીઓને નોટીસ પાઠવી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતાં.
રાજ્યમાં અત્યાર સુધી થયેલ કામગીરી
ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાં કુલ 47 ટકા પેચવર્કની તથા 63 ટકા પોટહોલ્સ પૂરવાની કામગીરી પૂર્ણ
વિવિધ વિસ્તારોમાં કુલ 1,401 કિ.મી.ના રસ્તાઓમાં પેચવર્કની તથા 9,092 પોટહોલ્સની કામગીરી કરાઈ
જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને મેજર અને માઈનોર કેટેગરીના કુલ 97 પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયા
નબળા રોડ બનાવનાર જામનગર, ભાવનગર અને જૂનાગઢ મનપાના કોન્ટ્રાક્ટરોને નોટિસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં રોડ રસ્તા, પુલની નબળી કામગીરી કરનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલા લેવાના આદેશ જારી કર્યા છે. જે અંતર્ગત જામનગર, ભાવનગર અને જૂનાગઢની એજન્સીઓને નોટીસ ફટકારવમાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના સીસીરોડ, તેમજ અન્ય રોડને મોટુ નુક્શાન થતાં આ કામ કોન્ટ્રાક્ટર પાસેથી સ્વખર્ચે કરવામાં આવશે તેમજ 1520 ચો.મી. રોડ ઉપર નુક્શાન થતાં કોન્ટ્રાક્ટરના ખર્ચે કામ કરવા માટે નોટીસ ફટકારવામાં આવી છે. તેવી જ રીતે જૂનાગઢ શહેરમાં વોર્ડ નં. 1થી 15માં ગેરેન્ટીવાળા રોડ તેમજ જે રોડ ડેમેજ થયા હોય તેનું રિફેશીંગ અને પેચવર્ક સહિતનું કામ સમયસર શરૂ ન થતાં અને સમારકામનું કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતાં ત્રણકોન્ટ્રાક્ટરને નોટીસ ફટકારવામાં આવી છે. તેમજ ભાવનગર શહેરમાં રામ મંત્ર મંદિરથી દિલબહાર પાણીની ટાંકી સુધી પેવરનું કામ એજન્સીને સોંપવામાં આવેલ તેની મુદત 1 જાન્યુઆરી 2022ના રોજ પૂર્ણ થયેલ છતાં આ કામમાં ક્ષતિ જણાતા ઓમ ક્ધટ્રક્શન કંપનીને સ્વખર્ચે રિકાર્પેટ કરવા અંગેની નોટીસ ફટકારવામાં આવી છે.