For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધર્મ અને સંસ્કૃતિના નામે નદીને દૂષિત ન કરો

10:56 AM Jun 04, 2025 IST | Bhumika
ધર્મ અને સંસ્કૃતિના નામે નદીને દૂષિત ન કરો

‘વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં અનેક મગર નિવાસ કરે છે. પૂરની પરિસ્થિતિમાં મગરો શહેરની સોસાયટીમાં આવી ગયા હતા તે વાત જાણીતી છે પરંતુ જ્યારે વિશ્વામિત્રી નદીના ભૂખી પ્રવાહનું સ્વચ્છતા અભિયાન શરૂૂ કર્યું ત્યારે તેમાં એકપણ મગર જોવા ન મળ્યો તે આશ્ચર્યકારક હતું.રિસર્ચ કરતા જાણવા મળ્યું કે અહીં કચરાનો એટલો ઢગલો થઈ ગયો હતો કે જેનું એક નાળુ બની ગયું છે અને તેના કારણે મગરોને વસવાટ કરવામાં મુશ્કેલી પડતી હતી. 2019માં એમ.એસ. યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન એન્વાયરમેન્ટલ સાયન્સ કરતી વખતે ટીમ સાથે તેનું ક્લિનઅપ કર્યું ત્યારે એક અઠવાડિયામાં 300 લોકો દ્વારા કરેલ સફાઈ અભિયાનમાં 700 કિલો જેટલો કચરો કાઢવામાં આવ્યો. ભારતની દરેક નદીની હાલત આવી જ છે જે આપણી કમનસીબી છે.’ આ શબ્દો છે પર્યાવરણ માટે ચિંતિત , હાલ તામિલનાડુમાં તામ્રપરણી નદી પર પીએચ.ડી. કરતા સ્નેહા શાહીના જેમને UNEP Plastic Tide Turner - 2019 અને imes of India Young Earth Care Champion - 2025નો એવોર્ડ મળેલ છે.

Advertisement

મૂળ બિહારના પરંતુ પિતાજી એરફોર્સમાં હોવાના કારણે જુદી-જુદી જગ્યાએ જવાનું બનતું. વડોદરામાં જન્મ તેમજ અભ્યાસ થયો. નાનપણથી જ પર્યાવરણમાં રસ હોવાના કારણે તેઓએ અભ્યાસનો વિષય પણ એન્વાયરમેન્ટલ સાયન્સ લીધો જેમાં તેઓએ ગોલ્ડમેડલ મેળવેલ છે. વડોદરામાં વસવાટ દરમિયાન તેઓએ વિશ્વામીત્રી નદીના ભૂખી પ્રવાહને સ્વચ્છ કરવા સહિતની અનેક કામગીરી કરેલી છે. તેના રિસર્ચ દરમિયાન તેઓ પાણીની ગુણવત્તા,માટીની ગુણવત્તા, તેના પ્રવાહમાં ફેરફાર વગેરે ચકાસતા તેમજ કચરો ભેગો થવાનું કારણ તેમજ કચરાના કારણે માણસોને થતી મુશ્કેલીઓ વગેરેનો તેવો અભ્યાસ કરતા. માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ પીએચ.ડી. કરવા માટે તામિલનાડુ ગયા. ત્યાં પણ તેઓના ાવમનો વિષય તામ્રપરણી નદી છે, જે 120 કિલોમીટર લાંબી છે તેમજ પશ્ચિમ ઘાટથી શરૂૂ થઈને બંગાળના અખાત સુધી પહોંચે છે. તેઓ હાલ એટ્રી સંસ્થામાંથી પીએચ.ડી. કરી રહ્યા છે. નદીઓ પર રિસર્ચ કર્યા બાદ તેઓનું અવલોકન છે કે હજુ લોકોમાં અવેરનેસ નથી. નદીમાં કચરો ફેંકવો ભારતમાં સામાન્ય બની ગયું છે.

સંસ્કૃતિ અને ધર્મના નામે આપણે નદીઓને દૂષિત કરીએ છીએ. પૂજાના ફૂલોને પ્લાસ્ટિકમાં પેક કરીને ફેંકીએ છીએ અન્ય કચરો પણ પાણીમાં વહાવી દઈએ છીએ. એક સમયે માટી અથવા તો લોટમાંથી બનતી મૂર્તિનું વિસર્જન કરવાની પ્રથા હતી પરંતુ આજે નદીને નુકસાન થાય તે પ્રકારની માટી અને કેમિકલના ઉપયોગથી બનેલી મૂર્તિઓ પણ પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. આપણે પ્રગતિના બદલે ઉલટા ચાલીએ છીએ અને પર્યાવરણને બગાડવામાં કોઈ કસર રાખતા નથી.કચરા બાબતે પણ હજુ અવેરનેસ નથી. તામિલનાડુમાં આ બાબત કડક વલણ અપનાવવામાં આવે છે. પર્યાવરણ બાબત રિસર્ચ અને કામગીરી માટે સસ્ટેનેબલ ગ્રાન્ટ મળી શકે તો વધુ લોકો આ કામમાં જોડાઈ શકે. અહીં ફંડિંગ નથી તેમજ લોકોનું ફ્યુચર સિક્યોર નથી તેના કારણે પણ આ કામગીરીમાં લોકો જોડાતા નથી. કુદરતે આપણને ઘણું આપ્યું છે તેનો બદલો આપણે તેની સુરક્ષા કરીને આપી શકીએ તો પણ ઘણું છે.

Advertisement

Wrriten By: Bhavna Doshi

Advertisement
Tags :
Advertisement
Advertisement