કેબિનેટ પ્રધાનોને પણ અધિકારીઓ ગાંઠતા નથી?
પ્રોટોકોલ ભંગની કુલ નવ ફરિયાદો મળ્યાનો રાજ્ય સરકારનો સ્વીકાર
મંત્રીઓ રાઘવજી પટેલ-કુંવરજી બાવળિયા, સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતનાને ‘કડવા’ અનુભવ
ગુજરાતમાં ભાજપને મળેલી 161 બેઠકોની તોતીંગ બહુમતીનો ભાર હવે ધારાસભ્યો અને પ્રધાનોને નડી રહ્યો છે. સરકારમાં અવાજ નહીં સાંભળવામાં આવતો હોવાના ગણગણાટ વચ્ચે પ્રધાનોને પણ અધિકારીઓ ગાંઠતા નહીં હોવાની ફરિયાદો ઉઠતા ભારે ચર્ચા જાગી છે.ભાજપમાં શિસ્તના દબાણ હેઠળ ઘણુબધુ દબાઇ જાય છે. પરંતુ હવે કેબિનેટ પ્રધાનોનો અવાજ પણ દબાઇ રહ્યાની ચર્ચાથી ભારે ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા બે કેબિનેટ પ્રધાનો કુંવરજીભાઇ બાવળીયા અને રાઘવજી પટેલે પોતાનો પ્રોટોકલ જાળવાતો નહીં હોવાની ફરિયાદ સરકારમાં કરતા સરકારમાં અધિકારીઓ પ્રધાનોને પણ ગાંઠતા નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે.કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં પૂછેલા પ્રશ્ર્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતુ કે, બે વર્ષ દરમિયાન પ્રોટોકલ ભંગની કુલ 9 ફરિયાદો મળી છે.
હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્ર પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા.વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન ભાજપનાં બે મંત્રીઓ અને ભાજપનાં સાંસદો તેમજ ધારાસભ્યો દ્વારા રાજ્યમાં પ્રોટોકોલ જળવાતો ન હોવા મામલે ફરિયાદ કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં પ્રોટોકોલ ભંગની કુલ 9 ફરિયાદો તા. 31.12.2024 સુધીમાં થઈ છે. રાજ્ય સરકારનાં બે કેબિનેટ મંત્રીએ પ્રોટોકોલ ભંગ અંગેની ફરિયાદ કરી હતી.
રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તથા રાઘવજી પટેલ દ્વારા પ્રોટોકોલ ભંગની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે રાઘવજી પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે, પોલીસ અધિકારીઓ હાજર ન રહેતા હોઈ પ્રોટોકોલ મામલે ફરિયાદ કરી છે. તેમજ કુંવરજી બાવળીયાએ અગાઉથી પોલીસ અને મામલતદારને જાણ કરવા છતાં હાજર ન રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. તો સાંસદ દિપસિંહ રાઠોડ તથા ડો. જશવંતસિંહ પરમારે પણ પ્રોટોકોલ ભંગની ફરિયાદ કરી હતી.
જ્યારે ભાજપનાં ધારાસભ્યો વિનુ મોરડીયા, સંજલ પંડ્યા, શામજી ચૌહાણ, અરવિંદ લાડાણી તથા હેમંત ખવાએ પ્રોટોકોલ ભંગની ફરિયાદ કરી હતી. કાર્યક્રમોમાં આમંત્રણ, તેમજ આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાનું અને તકતીમાં નામ ન હોવાની પણ ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારનાં પ્રશ્ન પર તમામ વિગતો બહાર આવવા પામી હતી.