વિમાન દુર્ઘટનામા પિતા ગુમાવનાર બે દીકરીને કરોડોનું દાન
લંડનમાં ક્રાઉડ ફંડિંગની પ્હેલ પડતાં જ 8 દિવસમાં 7.87 કરોડ જમા થયા
માં બનેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે, ત્યારે અમરેલી જિલ્લાના વડિયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનો કિસ્સો પણ હૃદય હચમચાવી દેનારો છે. ગત 26 મે 2025એ લંડનમાં પત્ની ગુમાવ્યા બાદ, તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા વતન આવેલા અર્જુનભાઈનું 12 જૂને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. અર્જુનભાઈના અવસાનથી લંડનમાં રહેલી તેમની બે માસૂમ દીકરીએ માતા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે, ત્યારે દેશ અને દુનિયાના લોકો બંને દીકરીની વ્હારે આવ્યા છે.
લંડનમાં જે જગ્યાએ અર્જુનભાઈ નોકરી કરતાં હતા તે ઇન્સ્પાયર્ડ એલિમેન્ટ્સ લિમિટેડ કંપની વિનોદ ખીમજી નામની વ્યક્તિએ બંને દીકરીને ભવિષ્ય તમામ પ્રકારની જરૂૂરી સુવિધા મળી રહે તે માટે gofundme નામના ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ પર એક કેમ્પેઇન શરૂૂ કર્યું છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા પછી અત્યાર સુધી 15 હજારથી વધુ લોકો રૂૂ. 7.87 કરોડથી વધુનું દાન કરી ચૂક્યા છે. ઇન્સ્પાયર્ડ એલિમેન્ટ્સ લિમિટેડના વિનોદ ખીમજી દ્વારા 15 જૂન, 2025ના રોજ gofundme નામના ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ પર કેમ્પેઇન શરૂૂ કરાયું હતું. વિનોદ ખીમજીએ જણાવ્યું હતું કે, અર્જુન ઇન્સ્પાયર્ડ એલિમેન્ટ્સમાં અર્જુન પટોળિયા અમારી ટીમના મૂલ્યવાન સભ્ય હતા.
ઘણાં વર્ષોથી તેઓ અમારા પારિવારિક મિત્ર પણ હતા. મારા દ્વારા શરૂૂ કરાયેલી આ ઝુંબેશનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આ બંને બાળકીને પાયાની સુવિધા પ્રદાન કરવાનો છે. અહીં એકત્ર થતું ફંડ બંને દીકરીના ભવિષ્યના વાલીઓને અપાશે. અર્જુનભાઈ પટોળિયા અને તેમની પત્નીના નિધન બાદ લંડનમાં તેમની બંને દીકરી મા-બાપ વિના નિરાધાર બની ગઈ છે, ત્યારે દુનિયાભરના લોકોએ બંને બાળકોને લઈને શરૂૂ કરાયેલા ક્રાઉડફંડિંગ કેમ્પિંગમાં પોતાની યથાશક્તિ મુજબ દાન કરી રહ્યાં છે.
આ કેમ્પેઇન હેઠળ 23 જૂન સુધી એટલે કે માત્ર 8 જ દિવસમાં 677,888 પાઉન્ડ એટલે કે ભારતની કિંમત પ્રમાણે રૂૂ.7.87 કરોડથી વધુનું ફંડ ભેગું થઈ ગયું છે. જેમાં લોકોએ 50થી 10000 પાઉન્ડ સુધીનું દાન કર્યું છે. આ દુ:ખદ ઘટનાને લઈને અનેક લોકો ભાવુક કોમેન્ટ પણ કરી રહ્યા છે. અર્જુનભાઈ પટોળિયાની બંને દીકરીઓ માટે શરુ કરાયેલા ક્રાઉડફંડિંગ કેમ્પેઇનની લિંક પર કોઈ પણ વ્યક્તિ દાન કરી શકે છે.