કુતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ: દંપતીનું મોત
નાઘેડી ગામના પતિ-પત્નીનું બ્રેઇન હેમરેજની સારવાર દરમિયાન મૃત્યુ: નાનકડા ગામમાં શોક
જામનગર નજીક નાઘેડી ગામમાં રહેતા દંપતિ ગત 2જી તારીખે જામનગર થી બાઇક પર બેસીને પોતાના ઘેર પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન ગોરધનપર ના પાટીયા પાસે કુતરું આડું ઉતરતાં ગોઝારો અકસ્માત નડ્યો હતો, અને દંપત્તિના વારાફરતી મૃત્યુ નિપજતાં પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ચોવટા ગામના વતની અને હાલ નાઘેડી ગામમાં રહેતા તેમજ ખેતીવાડી નું કામ સંભાળતા ભિમશીભાઈ ધરણાતભાઈ મારુ (ઉંમર વર્ષ 61) તેમજ તેમના પત્ની હીરીબેન ભીમજીભાઇ મારૂૂ (56)કે જેઓ બંને ગત 2 જી તારીખે પોતાના કામ સબબ જામનગર આવ્યા હતા, અને બાઈક પર બેસીને નાઘેડી ગામે જઈ રહ્યા હતા.
દરમિયાન ગોરધનપર ગામના પાટિયા પાસે એકાએક કૂતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાથી બાઈક સવાર ભીમસીભાઈ અને હિરીબેન બંનેને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી તેઓને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત સાતમી તારીખે હીરીબેન નું મૃત્યુ નીપજ્યું હતું તેથી તેમના પુત્ર હરેશભાઈ તથા અન્ય પરિવારજનોએ નાઘેડી ગામમાં હીરીબેન ની અંતિમ વિધિ કરી હતી.
દરમિયાન બે દિવસ બાદ જામનગરની જી.જી. હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહેલા ભીમશીભાઈ નું પણ મૃત્યુ નિપજતાં સમગ્ર પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.બે દિવસના અંતરમાં હિરીબેન અને ભીમશીભાઈ બંનેના મૃત્યુ થવાથી પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. જેઓના મૃતદેહને તેમના વતન ચોવટા ગામે લઈ જઈ, ત્યાં અંતિમવિધિ કરવામાં આવી હતી. સમગ્ર અકસ્માત મામલે સિક્કાના એએસઆઈ સી.ટી. પરમાર વધુ તપાસ ચલાવે છે.