થાય તે કરી લે... તારા ભાઇને દાખલ નથી કરવો, ફાઇલનો છૂટ્ટો ઘા કર્યો
રાજકોટની સિવિલ હોસ્પિટલમા સિંગર મીરા આહિરને કડવો અનુભવ, 50 મિનિટ સુધી ભાઇને દાખલ ન કર્યો
આમજનતા માટે આશિર્વાદરૂપ ગણાતી સિવિલ હોસ્પિટલમાં મોટા ગજાના કલાકારોને કડવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તે ચિંતાનો વિષય
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. પાંચ મહિના પહેલાં લોક સાહિત્યકાર હકાભા ગઢવીને કડવો અનુભવ થયો હતો, હવે જાણીતા સિંગર અને લોક સાહિત્યકાર મીરા આહિરને પણ સિવિલ હોસ્પિટલના અણઘડ વહીવટ અને બેદરકાર સ્ટાફનો ભોગ બનવું પડ્યું છે. મીરા આહિર સિવિલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે. જેમાં સ્ટાફ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનું અને તેઓના ભાઈને ઈમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કરી ફાઈલ માગતા છુટ્ટો ઘા કર્યાનો આક્ષેપ કર્યો છે. સાથે જ મીરા આહિરે વીડિયો બનાવી આ મામલે તંત્ર પાસે જવાબ પણ માગ્યો છે.
મીરા આહિરે સમગ્ર ધટનાને લઈને અને તંત્ર પાસે જવાબ માગતા બનાવેલા વીડિયોમાં જણાવ્યું છે કે, તેઓ તેમના ભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ઇમરજન્સી વિભાગમાં 45થી 50 મિનિટ સુધી રાહ જોયા છતાં, કોઈ પણ સ્ટાફ દ્વારા તેમના ભાઈનો કેસ લખવામાં આવ્યો નહોતો. આટલું જ નહીં, મીરા આહિરે ઇમરજન્સી વિભાગમાં ફરજ પર હાજર ડોક્ટર અને સ્ટાફ પર ગેરવર્તન કરવાનો અને અભદ્ર ભાષાના ઉપયોગનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
આ ઘટના રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા કરે છે. અગાઉ અનેક વખત સિવિલ હોસ્પિટલ તેની બેદરકારી અપૂરતી સુવિધાઓ, સ્ટાફના ગેરવર્તન જેવી બાબતે વિવાદોમાં સપડાઈ ચૂકી છે. ત્યારે વધુ એકવાર આ પ્રકારની ઘટના સામે આવતા લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય જનતા માટે આશીર્વાદરૂૂપ ગણાતી સરકારી હોસ્પિટલમાં જો આવા મોટા ગજાનાં કલાકારોને પણ કડવી પરિસ્થિતિનો સામનો કરવો પડે, તો તે ચિંતાનો વિષય છે.
સિંગર મિરા આહિરે એક વાયરલ વિડીયોમા જણાવ્યુ હતુ કે, જય દ્વારકાધિશ, હું શું મીરા આહિર. આજનો એક અનુભવ તમને જણાવવો છે. તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે. કારણ કે, આ જવાબ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે. સિવિલિ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયાં. 45થી 50 મિનિટ અમે લોકો ત્યાં આટા માર્યા, કોઈએ કેસ ન લખો. એ પછી આટલા મિનિય આટાં માર્યા પછી માણસ એમ કહી દે કે અમારો ટાઈમ થઈ ગયો છે જમવાનો, બે વાગી ગયાં છે, હવે આમને ન લઈ જઈએ, મારો બ્રેક છે, આવો જવાબ મળે અમને. પછી અમે અમારી હાથે લઈ ગયાં. પછી બીજે લઈ ગયાં.
બીજે લઈ ગયા તો તેને ચોથા માળે સિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ, સર ઈમરજન્સી સ્ટાફનું બહુ ગેરવર્તન. મજા આવે તેવી અભદ્ર ભાષામાં વાત કરે. મજા આવે તેવા જવાબ આપે અને મજા આવે તેવુ બોલે કે નથી દાખલ કરવો જા, તારાથી થાય એ કરી લે, આવા શબ્દો વાપરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તેવું આજ કામ છે? આવો સ્ટાફ સામાન્ય માણસો સાથે આવું વર્તન કરે તે ક્યાં સુધી વ્યાબી છે? નોર્મલ માણસો સાથે ક્યાં સુધી આવું થશે? આજે અમારા ઉપર છે, કાલે તમારા ઉપર આવશે. બધા ઉપર આવશે, ત્યારે કોણ જવાબ દેશે?
અભદ્ર ભાષામાં બોલવું, નિરાતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છે? કોઈ જવાબ આપશે મને આનો? કોઈએ તો જવાબ દેવો પડશે આનો. કે પછી ચાલે છે એ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ વધુ? માણસના જીવથી વધારે છે ખરું કઈ દુનિયામાં? રાજકોટ સિવિલ હોસ્ટિલ આ વસ્તુનો મારે જવાબ જોઈએ છે, જે તમારો સ્ટાફ બહુ જ ગેરવર્તન કરે છે અને મજા આવે તેવા જવાબ આપે છે.
શુ ઇમરજન્સી વિભાગના સ્ટાફ સામે કાર્યવાહી થશે ?
પીડીયુ સિવીલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી, જવાબદાર કર્મચારીઓ કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તે માટે કડક પગલાં લેવાય તે અત્યંત જરૂૂરી છે. જોકે, મીરા આહિરે કરેલા આ આક્ષેપો બાદ, સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવે છે અને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.