દિવાળી બગડશે, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં માવઠાની આગાહી
ગુજરાતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસું લાંબુ ચાલ્યું હતુ અને દશેરા સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. નવરાત્રીમાં પણ પાછળના કેટલાક નોતરામાં વરસાદ વિલન બનતા ગરબા પ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી. જો કે હવે ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ ચૂકી છે અને ધીમા પગલે શિયાળાના પગરવ પણ મંડાઈ રહ્યા છે. જેના પગલે વહેલી સવારે અને રાતના સમયે ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યના હવામાનમાં વધુ એકવાર પલટો આવી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 21 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. આવતીકાલે 18 ઓક્ટોબર શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ અને નવસારી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 19 થી 21 ઓક્ટોબર એટલે કે દિવાળી સુધી ડાંગ, નવસારી, વલસાડ તેમજ ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી 7 દિવસ સુધી દક્ષિણ ભારતના કેરળ, તમિલનાડુ, પુડુચેરી સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આ સિસ્ટમ મજબૂત બનીને આગામી સપ્તાહે લો પ્રેશરમાં ફેરવાશે. જેના પગલે ખાસ કરીને દક્ષિણ તમિલનાડું તેમજ કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન ડાંગના વઘઈમાં 24 મિ.મી, નવસારીના વાંસદામાં 21 મિ.મી, વલસાડના ધરમપુર અને કપરાડામાં અનુક્રમે 5 અને 3 મિ.મી તેમજ પારડીમાં 1 મિ.મી વરસાદ નોંધાયો છે. અચાનક વલસાડ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સુસવાટા મારતા પવનો સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતુ. ભારે પવનના કારણે ધમરપુર, વાંકલ અને ઓજર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેના કારણે કેટલાક ઠેકાણે વીજ પૂરવઠો પણ ખોરવાયો હતો.
જ્યારે વાપી તાલુકાના કરમખલ ગામના ખાડી ફળિયા નજીક લાકડા વીણવા ગયેલી ત્રણ મહિલાઓ પર આકાશમાંથી વીજળી ત્રાટકી હતી. જેમાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.