For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની બજારોમાં દિવાળીની રોનક: માનવ મહેરામણ ઉમટયો

04:50 PM Oct 18, 2025 IST | Bhumika
રાજકોટની બજારોમાં દિવાળીની રોનક  માનવ મહેરામણ ઉમટયો

લાખાજીરાજ, ધર્મેન્દ્ર રોડ પર ભારે ભીડ, કપડા, શુઝ સહિતની ધૂમ ખરીદી, વેપારીઓમા ખુશીનો માહોલ

Advertisement

ફેશન, જવેલરી અને ઘર સુશોભનની વસ્તુઓની ખરીદીમાં મહિલાઓની વિશેષ ભીડ જોવા મળી

રંગીલુ ગણાતું રાજકોટ શહેર હાલ દિવાળીના તહેવારના રંગે રંગાઈ ગયું છે. ખરીદીનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે, અને શહેરના મુખ્ય બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને લાખાજીરાજ બજારો અને ધર્મેન્દ્ર રોડ પર ગ્રાહકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ બજારોમાં કપડાં, શૂઝ, દિવાળીના સુશોભન માટેની વસ્તુઓ, રંગોળીનો સામાન અને ગિફ્ટ આઇટમ જેવી વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ છે. રવિવારનો દિવસ હોવાથી ખરીદી માટે નીકળેલા લોકોની સંખ્યામાં આજે મોટો વધારો જોવા મળ્યો હતો. શહેરના ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે પહોંચ્યા હતા.

Advertisement

લાખાજીરાજ બજાર મહિલાઓ માટેની વિવિધ વસ્તુઓ માટે જાણીતું હોવાથી અહીં મહિલાઓની વિશેષ ભીડ જોવા મળી હતી. મહિલાઓ ખાસ કરીને ફેશન, તેમજ જ્વેલરી, અને ઘર સુશોભનની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી હતી. માનસી પરમાર નામના મહિલા ગ્રાહકે જણાવ્યું હતું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં રહું છું અને દર સપ્તાહે અહીં ખરીદી કરવા આવું છું.

જોકે આજે મોટી સંખ્યામાં દિવાળીની ખરીદી કરવા આવ્યા હોવાથી ખૂબ ટ્રાફિક છે. આ બજારમાં વ્યાજબી ભાવમાં સારી વસ્તુઓ મળતી હોવાથી લોકો પડાપડી કરી રહ્યા છે. મેં ટ્રેડિશનલ કપડાં-શૂઝ સહિતની ખરીદી કરી છે. રાજકોટની દિવાળીની વાત કંઈક અલગ જ હોય છે. લખાજીરાજ રોડ પર ક્યૂટ લેડી નામની દુકાન ધરાવતા હેતલ વોરાએ જણાવ્યું હતું કે, મારી લેડીઝ વેરની શોપ છે. જેમાં ડ્રેસ, કુર્તી, પેન્ટ વગેરે વસ્તુઓ અમે રાખીએ છીએ. દિવાળીનો માહોલ અત્યારે સારો છે અને વેપાર પણ સારો થવાની આશા છે. ગત દિવાળીની તુલનાએ આ વખતે હજુ ઠીકઠાક માહોલ છે. મારી શોપમાં લો રેન્જ અને હાઇ રેન્જ બંને પ્રકારના ગ્રાહકો ખરીદી માટે આવી રહ્યા છે. ગ્રાહકોનું બજેટ અલગ-અલગ હોય છે, જે મુજબ તેઓ ખરીદી કરે છે.

પાથરણાવાળાઓને કારણે ખૂબ મુશ્કેલી: હેતલ વોરા, વેપારી
કિંમતની રેન્જ અંગે તેમણે જણાવ્યું હતું કે, હાલ લેડીઝ વેરમાં કપડાંની કિંમતની રેન્જ આશરે રૂૂ. 1,500થી લઈ રૂૂ. 2,500-3,000 સુધીની હોય છે. મોટી સંખ્યામાં અહીં લોકો દિવાળીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. જોકે અહીં રસ્તા પર બેસતા પાથરણાવાળાઓને કારણે ખૂબ મુશ્કેલી પડે છે. આ કારણે અમારી શોપમાં આવતા જતા ગ્રાહકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. તેમણે પથારા બંધ થઈ જાય તે માટે તંત્ર પગલાં લે તેવી વિનંતી કરી છે. આમ થાય તો વેપાર વધુ સારો થવાની શક્યતા દર્શાવી હતી.

વેપારીઓ પણ ગ્રાહકોની માગને પહોંચી વળવા તૈયાર
ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પરની દુકાનોને પણ રોશની અને વિવિધ સુશોભનથી શણગારવામાં આવી છે. વેપારીઓ પણ ગ્રાહકોની માગને પહોંચી વળવા માટે તૈયાર છે. વેપારીઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી ખરીદીનો ટ્રાફિક સતત વધી રહ્યો છે અને રવિવારની રજાના કારણે આજે સૌથી વધુ ગ્રાહકો જોવા મળી રહ્યા છે. દિવાળી સુધી અહીં બજારમાં ગ્રાહકોની સંખ્યામાં ઉતરોતર વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરી રહ્યા છે.

બજાર વિસ્તારોમાં નિયંત્રણ જાળવવા માટે વિશેષ વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે, આજનો રવિવાર દિવાળી પહેલાનો સૌથી મોટો ખરીદીનો દિવસ સાબિત થયો છે. શહેરના પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા બજાર વિસ્તારોમાં નિયંત્રણ જાળવવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આ માનવ મહેરામણ વચ્ચે સામાન્ય લોકો સુરક્ષિત રીતે ખરીદી કરી શકે. અહીં બજારમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો માટે વાહન પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો કે, બજારમાં ખિસ્સા કાતરુંઓ પણ હોવાથી પોલીસ સતત અહીં પેટ્રોલિંગ કરી રહી છે.

કાપડ, ઇલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરમાં 40 ટકાનો ઉછાળો
દિવાળીની આ ધૂમ ખરીદી રાજકોટના સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપી રહી છે. વેપારીઓના ચહેરા પર સ્મિત છે કારણ કે ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો છે. એક અંદાજ મુજબ, આ વર્ષે દિવાળીના કારણે રાજકોટના બજારોમાં કરોડો રૂૂ. ની લેવડદેવડ થવાની શક્યતા છે. કાપડ, ઇલેક્ટ્રોનિક્સ અને ફર્નિચર જેવા સેક્ટરમાં લગભગ 40 ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજકોટ શહેરમાં દિવાળીની ખરીદીનો આ માહોલ આગામી દિવસોમાં વધુ જામશે, જે જોતા આ વર્ષે દિવાળીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થાય તેવી શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement