રંગીલા રાજકોટમાં દિવાળી પર્વની ભારે હર્ષોલ્લાસ અને આતશબાજી સાથે ઉજવણી
લોકોએ ફટાકડા ફોડી, ચોપડા પૂજન અને દેવી દેવતાઓના દર્શન કરી એક બીજાના મો મીઠાં કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી પર્વને મન ભરીને માણ્યું
શહેરમાં રાત્રીના દિવસ જેવો ઝગમગાટ જોવા મળ્યો, રેસકોર્સ ખાતે રોશની નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યો
રાજકોટમાં તેહવારો અને ભવ્ય ઉજવણી ન થાય તેવુ કયારેય બન્યુ નથી તેમાપણ દિવાળી જેવો મોટો તહેવાર આવે એટલે રંગીલા રાજકોટ વાસીઓ ઉજવણીની તૈયારીઓ અગાઉથી કરવા લાગે છે. ગઇકાલે દિવાળીના દિવસે શહેરીજનોએ ફટાકડા ફોડી ચોપડા પૂજન અને દેવી દેવતાઓના દર્શન કરી ઢોલ-નગારાના તાલે ઠેર-ઠેર ગરબાના આયોજનો કરી વહેલી સવાર સુધી તહેવારને હર્ષોલ્લાસ સાથે મન ભરીને એક બીજાના મો મીઠા કરી દીવાળીની શુભકામનાઓ પાઠવી પર્વની મન ભરીને ઉજવણી કરી હતી.
દેશભરમાં આજે દિવાળીનાં તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટમાં પણ આજે લોકોએ ફટાકડા ફોડીને દિવાળીના પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી હતી. સાથે જ ઢોલ-નગારા અને શરણાઈના તાલે લોકોએ ગરબાની પણ મજા માણી હતી. દિવાળીનાં તહેવારને લઈ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આખી રાત વહેલી સવાર સુધી શહેરમાં લોકો મિત્રો અને પરિવાર સાથે ફટાકડા ફોડી પર્વની ઉજવણી કરી હતી. રાજકોટનાં અમીનમાર્ગ પર રહેતા અનડકટ પરિવારના સભ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરતા નજરે પડ્યા હતા. ભગવાન શ્રી રામના વનવાસ બાદ પરત અયોધ્યા આવ્યે લોકોમાં જે ખુશી હતી એ મુજબ પરિવાર અને મિત્ર વર્તુળો સૌ સાથે મળી આજે ફટાકડા ફોડી ગરબે રમી આજના આ પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી.
દિવાળીના દિવસે કરવામાં આવતી પૂજાને ચોપડા પૂજન અથવા શરદ પૂજા પણ કહેવામાં આવે છે. ચોપડા પૂજન ધાર્મિક પરંપરાનો એક ભાગ છે, જેમાં દિવાળીના આજના પવિત્ર દિવસે વેપારી મિત્રો દ્વારા લક્ષ્મી માતાજીની પૂજા કરી સફળ અને નફાકારક વ્યવસાયિક વર્ષ માટે પ્રાર્થના કરી હતી. સાથે સાથે નિર્વિધ્ન રીતે કાર્યો પાર પડે તે માટે ગણેશ ભગવાન અને માતા સરસ્વતીની પણ પૂજા કરી હતી. દિવાળીના દિવસે આજે નવી ખાતાવહીની પૂજા કરવાનું પણ વિશેષ મહાત્મ્ય હોઈ વેપારી મિત્રોએ ખાતાવહીની પૂજા કરી વેપાર-ધંધામાં પ્રગતિ અને સફળતા માટ કામના કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા. ચોપડા પૂજન અને ખાતાવહીની પૂજા બાદ વેપારી મિત્રોએ એકબીજાને દિવાળીના પર્વની શુભેચ્છા પાઠવી હતી.
દીવાળીના તહેવારોમાં મંદિરોમાં પરંપરા મુજબ, દેવદિવાળીના દિવસે ભવ્ય અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું છે. મોબાઈલ અને સોશ્યલ મીડિયાના આજના જમાનામાં દિવાળીના તહેવારને લઈ આજે વહેલી સવારથી નાગરિકોએ મોબાઈલ પર દિવાળીની શુભેચ્છા, દેવી-દેવતાઓના ફોટાઓની આપ-લે કરી તહેવારની ઉજવણીની શુભ શરૂૂઆત કરી હતી. તો, લોકોએ એકબીજાને દિવાળીના પર્વની હેપ્પી દિપાવલી કહી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે મીઠાઈ, ડ્રાયફ્રુટ, આઈસ્ક્રીમ, નમકીન-ફરસાણ ખવડાવી મોં મીઠુ કરાવી એકબીજાને તહેવારની શુભેચ્છા પાઠવી હતી. તો, બીજીબાજુ, અબાલ-વૃધ્ધ સૌકોઈ ખાસ કરીને બાળકો અને યુવાઓએ ફટાકડા ફોડી, હવાઈ આતશબાજી અને ધૂમધડાકા વચ્ચે દિવાળીની જોરદાર ઉજવણી કરી હતી. મોડી રાત સુધી લોકોએ ફટાકડા ફોડી, આતશબાજી કરી દિવાળીની ભવ્ય ઉજવણી કરી હતી.
દાન પુણ્યનું અનેરું મહત્ત્વ
શહેરીજનોમાં તહેવારો દરમિયાન દાન પુણ્ય કરવાનું અનેરૂ મહત્વ જોવા મળ્યુ છે. પર્વના દિવસે લોકો દ્વારા ગરબી પરિવારને ભોજન સહિતની સામગ્રી લોકોને આપવામાં છે. જે અંતર્ગત ગઇકાલે લોકોએ ગૌશાળામાં અને જરૂરીયાત મંદોને યથાશક્તિ દાન પુણ્ય કરી આર્શીવાદ મેળવ્યા હતા. દિવાળીના તહેવારને લઈ લોકોએ દાન-પુણ્ય પણ ખૂબ મોટી સંખ્યામાં કર્યું હતું. તો, ગૌશાળામાં પણ ગાયોને ઘાસચારો ખવડાવી ગૌપૂજન કરી ગાય માતાના આશીર્વાદ મેળવ્યા હતા.તો અનેક લોકોએ પારીવારીક પરંપરા મુજબ ગુપ્તદાન કરી લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો.
