રાજકોટ બસપોર્ટ, રેલવે સ્ટેશન પર દિવાળીની ભીડ
છ ટ્રેન અને 100 ST વધારાની દોડાવતું તંત્ર : મહિનાના અંત સુધી કરાશે સંચાલન
રાજકોટમાં રોજી રોટીની તલાશમાં આવેલા શ્રમિકો દિવાળીના તહેવારમાં પોતાના વતન તરફ વધ્યાં છે. રાજકોટ એસ.ટી.ડિવીઝન અને રેલવે દ્વારા યાત્રિકો માટે વિશેષ સુવિધા કરી છે. રેલવે સ્ટેશન અને એસ.ટી.બસપોર્ટમાં વતન જતા અને ફરવા જતાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.
રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી છ જેટલી વધારાની ટ્રેનો દિવાળી માટે સ્પેશ્યલ શરૂ કરવામાં આવી છે. હાલ રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પણ મુસાફરો ઉમટી રહ્યા છે. રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગત વર્ષે દિવાળીમાં 80 એક બસો મૂકવામાં આવી હતી જેની સામે આ વર્ષે 100 બસો મૂકવામાં આવી છે. જેમાં રાજકોટથી 20, ગોંડલથી 15 અને સુરેન્દ્રનગરથી 10 સહિતની વધારાની બસો મુસાફરોની સગવડતા માટે મૂકવામાં આવી છે.
જેમાં દિવાળીની પહેલા અમદાવાદ, દાહોદ, પંચમહાલ અને ભુજ તરફ જતી બસોમાં વધુ ભીડ હોવાથી ત્યાં જતી બસોમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે દિવાળી પૂર્ણ થયા બાદ ભાઈબીજના દિવસે લોકલ ટ્રાફિક વધુ રહે છે. જેમાં રાજકોટથી જૂનાગઢ, દ્વારકા, મોરબી, ગોંડલ, વડોદરા સહીતના સ્થળોએ જતી બસમાં ટ્રાફિક જોવા મળશે. ઓનલાઇન ટિકિટ બુકિંગ સોફ્ટવેરમાં પણ એક્સ્ટ્રા બસો ઉમેરી દેવામાં આવી છે. મુસાફરો www.gsrtc.in વેબસાઇટ તેમજ GSRTCની મોબાઇલ એપ્લિકેશનની મદદથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી શકે છે. જેથી એસટી બસ સ્ટેશન પર ટિકિટ બુકિંગ માટે મુસાફરોની ભીડ ઓછી રહે.