ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે તા.19 ડિસેમ્બરે જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટ યોજાશે
સમિટમાં B2B અને B2G જેવી મહત્વની બેઠકો, એમઓયુ સહિત મહત્વના ક્ષેત્રોમાં રોકાણ સંદર્ભે ચર્ચા વિચારણા થશે
ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે, જેના ઉપલક્ષ્માં આગામી તા.10, 11 અને 12 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે કચ્છ સૌરાષ્ટ્ર પ્રદેશની વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસ યોજાશે.
ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાના અધ્યક્ષસ્થાને આગામી તા. 19 ડિસેમ્બરના રોજ જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સંદર્ભે કલેકટર કચેરી ખાતે ભાવનગર જિલ્લા કલેકટર ડો. મનીષ કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે કચ્છ સૌરાષ્ટ્ર પ્રદેશની વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસ તેમજ જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટ ખૂબ જ મહત્વની છે.
જિલ્લામાંથી વધારેમાં વધારે ભાગીદારી સુનિશ્ચિત કરવા, તમામ ઉદ્યોગો, MSMEs, એસોસિએશન્સ, સ્ટાર્ટઅપ્સ તથા યુવા ઉદ્યોગકારોને વિવિધ ઇવેન્ટમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. કાર્યક્રમને લગતી તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત થાય તે જોવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સતીષભાઇ ભાટીયાએ જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટની જાણકારી આપતાં કહ્યું કે, સમિટમાં ઇ2ઇ અને B2G જેવી મહત્વની બેઠકો, સ્ટોલ પ્રદર્શન, એમઓયુ, એક્ઝીબીશન તેમજ ધોલેરા SIR, પોર્ટ વિકાસ, શિપ બ્રેકિંગ અને શીપ બિલ્ડીંગ તેમજ બાયોટેક્નોલોજી ટ્રેન્ડસ સહિતના મહત્વનાં ક્ષેત્રોમાં રોકાણ સંદર્ભે ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત મુખ્ય ઉદ્યોગો શિપ રિસાયક્લિંગ અને મેટલ ઈન્ડસ્ટ્રીઝ, એગ્રો પ્રોસેસિંગ ડીહાઈડ્રેશન વેજિટેબલ્સ અને પીનર બટર, સોલ્ટ અને મરીન કેમિકલ્સ, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ, ડાયમંડ કટીંગ અને પોલિશિંગ તેમજ ઉભરતાં ક્ષેત્રોમાં પુન:પ્રાપ્ય ઉર્જા (સોલર એન્ડ વિન્ડ), લોજિસ્ટક્સ અને સ્ટોરેજ, સ્ક્રેપ અને રિસાયક્લિંગ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, આ કોન્ફરન્સનો હેતુ સેક્ટર-સ્પેસિફિક રોકાણ, ક્ષેત્રીય ઉદ્યોગ વિકાસ અને વૈશ્વિક સ્તરે સહભાગીતાને પ્રોત્સાહન આપવાનો છે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂૂ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.