સરકારી અનાજની સંગ્રહખોરી સામે જિલ્લા કલેક્ટરની લાલ આંખ: 12 સામે નોંધાયો ગુનો
ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ ગામો માંથી સરકારી રાશનનો જથ્થો એકત્ર કરી ગીર સોમનાથ જિલ્લાની હદ બહાર મેંદરડા ખાતે આ જથ્થાનો સંગ્રહ કરતા હોવાની પ્રવૃત્તી સામે જિલ્લા પૂરવઠા અધિકારી, ગીર સોમનાથ દ્વારા બાતમી આધારે રેડ કરવામાં આવેલ હતી અને અંદાજીત રકમ રૂા.10,46,544/- નો સરકારી અનાજ / કઠોળનો જથ્થો જપ્ત કરવામાં આવેલ. આ ઉપરાંત ઉના શહેર, તાલાલા તાલુકાના આંકોલવાડી તથા સુત્રાપાડા તાલુકાના સીંગસર ગામ ખાતેથી સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા ઇસમોને અટકાયત કરી રકમ રૂા.5,51,024નો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો.
ત્યાર બાદ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની કોર્ટમાં આ કેસ સાથે સંકળાયેલા અનાજ માફીયાઓ સામે ધોરણસરનો કેસ ચલાવવામાં આવેલ. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ઉપરોકત કેસમાં સંકળાયેલા કુલ-13 જેટલા અનાજ માફીયાઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવા તથા તપાસણી દરમ્યાન સીઝ કરવામાં આવેલ રકમ રૂા.12,56,018/- નો સરકારી અનાજનો જથ્થો રાજયસાત કરી દેવા આદેશ ફરમાવવામાં આવેલ છે. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના ઉકત નિર્ણયથી સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા અનાજ માફીયાઓમાં ખોફનો માહોલ છવાયો. આ બાબતે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા નાગરીકોને સંદેશ આપતા જણાવેલ કે, પથપ્રધાનમંત્રી તથા.મુખ્યમંત્રી દ્વારા નાગરીકોની અન્ન સલામતીને ઘ્યાને લઇ સરકારી રાશનનું મફતમાં વિતરણ કરવામાં આવે છે. પરંતુ કેટલાક નાગરીકો આ જથ્થાને નજીવી કિંમતમાં અનાજ માફીયાઓને વહેંચી દેતા હોય છે. નાગરીકોએ આ અનાજનો સદઉપયોગ કરવો જોઇએ અને આવા અનાજ માફીયાઓથી દુર રહેવુ જોઈએ.