ચૌધરી હાઈસ્કૂલના સ્ટ્રોંગ રૂમમાંથી સૌરાષ્ટ્ર ઝોનના પ્રશ્ર્નપત્રોનું વિતરણ શરૂ
- સોમવારથી ધો. 10-12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : રાજકોટ ડીઈઓ કચેરી સજજ
- બે દિવસ ચાલશે પેપર ફાળવણીની કામગીરી : ધો. 12ના પેપર ડિઈઓ કચેરી ગાંધીનગરથી લઈ આવી : ચુસ્ત બંદોબસ્ત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધોરણ -12ની બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થવાની છે સૌરાષ્ટ્ર ઝોનનો સ્ટ્રોંગરૂમ રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં શરૂ કરાયો છે. જેમાં આજથી સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરોમાં પેપર વિતરણનો પારંભ કરવામાં આવ્યો છે. બે દિવસ સુધી આ કાર્યવાહી કરવામા આવશે. અને ત્યાંથી જે તે સેન્ટર સુધી મોકલાશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સોમવારથી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. અને તે માટેના બોર્ડના પ્રશ્ર્નપત્રો સૌરાષ્ટ્રઝોનના ચૌધરી હાઈસ્કૂલમાં શરૂ કરવામાં આવેલ સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા હતાં. અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આજે તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પ્રશ્ર્નપત્રો પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં સરકારી બસો મારફત આ કામગીરી કરવામા આવી છે. સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરોમાં પ્રશ્ર્નપત્ર પહોંચાડવાનીકામગીરી બે દિવસ સુધી ચાલશે અને તમામ કામગીરીનું રેકોર્ડિંગ પણ કરવામા આવી રહ્યું છે.
પરીક્ષા સાતે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે, ધો. 10ના પ્રશ્ર્નપત્રો રાજકોટથી જે તે સેન્ટરમાં પહોચાડવામાં આવ્યા છે. જ્યારે ધો. 12ના પ્રશ્ર્ન પત્રો જે તે જિલ્લાના શિક્ષણાધિકારી ક્વેરી દ્વારા ગાંધીનગરથી સીધા મેળવવાના હોય છે જેથી આજે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી સહિત સૌરાષ્ટ્રની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ દ્વારા ગાંધીનગરથી ધો. 12ના પશ્ર્નપત્રો મેળવી લીધા હતા.
રાજકોટમાં 2800થી વધારે બ્લોકમાં 80,000થી વધારે પરીક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામા આવી છે. તમામ બ્લોકનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્થળ પર જઈને નિરિક્ષણ કરવામા આવ્યું હતું. પરીક્ષાને માત્ર ત્રણ દિવસ બાકી હોય રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ સજજ થઈ ગઈ છે. પ્રશ્ર્નપત્ર આજે પહોંચ્યા બાદ પરીક્ષાની વહેલી સવારે જે તે શાળાના બ્લોકમાં પહોંચાડવામાં આવેલ હાલ તમામ સેન્ટરો પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પરીક્ષાના બીજા દિવસથી જ મૂલ્યાંકનની કામગીરી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ધો.10 અને 12ની પરીક્ષા શરૂૂ થવાની છે. પરીક્ષા પૂરી થયા બાદ વહેલીતકે પરિણામ જાહેર થઇ શકે તે માટે ઉત્તરવહી મૂલ્યાંકનના બીજા દિવસથી જ એકસાથે 500થી વધારે ડેટા ઓપરેટરોને ગોઠવીને માર્કસની એન્ટ્રી કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવશે. જેના કારણે પરિણામ પણ દર વર્ષ કરતાં વહેલુ જાહેર કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સ્થળ સંચાલક-સરકારી પ્રતિનિધિ મોબાઇલ રાખી શકશે
ધો.10 અને 12ની પરીક્ષાને લઇને શિક્ષણ બોર્ડ દ્વારા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર માત્ર બે જ મોબાઇલ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં સ્થળ સંચાલક મોબાઇલ રાખી શકશે. આ ઉપરાંત સરકારી પ્રતિનિધિને પણ મોબાઇલ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. સ્થળ સંચાલક ઇમરજન્સી ઊભી થાય તેવી સ્થિતિમાં મોબાઇલનો ઉપયોગ કરી શકશે અન્યથા મોબાઇલ બંધ રાખવાનો રહેશે. સરકારી પ્રતિનિધિનો મોબાઇલ લાઇવ લોકેશન સાથે રાખવાનો રહેશે. જેના કારણે બોર્ડના કોઇપણ અધિકારી સીધો સંપર્ક કરી શકે.