લોકમેળા અંગે વિધ્નસંતોષીઓ ગેરમાર્ગે દોરે છે: જિલ્લા ક્લેક્ટર
આવતીકાલે ફોર્મ ઉપાડવાનો છેલ્લો દિવસ, મુદત વધારાય તેવી શક્યતા
રાજકોટમાં આગામી લોકમેળાના આયોજનને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. મેળા માટેના ફોર્મ વિતરણનો આજે અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં કુલ 50 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, જેમાં 20 રાઈડ સંચાલકો અને અન્ય 30 જેટલા ખાણીપીણી, રમકડાં સહિતના સ્ટોલ માટેના ફોર્મનો સમાવેશ થાય છે. જોકે, આશ્ચર્યજનક રીતે હજુ સુધી એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી.
આ સ્થિતિને જોતા, કલેક્ટર દ્વારા ફોર્મ ઉપાડવાની મુદતમાં વધારો કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
આજે મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, જે લોકોને કામ કરવામાં રસ નથી, પરંતુ આખા મેળાને કઈ રીતે ખોટી રસ્તે દોરવો તેવા લોકો જ આનો વિરોધ કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિઘ્નસંતોષી લોકો જ આનો વિરોધ કરી રહ્યા છે. અન્ય ઘણા બધા લોકો અમારા સંપર્કમાં છે અને તેઓને ગાઈડ કરીને આગામી સમયમાં ફોર્મ ભરવા અંગે માહિતગાર કરી રહ્યા છીએ. આ વખતે સારી રીતે લોકમેળો યોજાશે.