For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘આપ’માં ભડકો, ધારાસભ્ય મકવાણાએ પાર્ટી સાથે છેડો ફાડયો

04:07 PM Jun 26, 2025 IST | Bhumika
‘આપ’માં ભડકો  ધારાસભ્ય મકવાણાએ પાર્ટી સાથે છેડો ફાડયો

પક્ષના દંડક અને જનરલ સેક્રેટરી સહિતના હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું, કાર્યકર તરીકે ચાલુ રહેશે, ધારાસભ્ય પદ અંગે લોકોને પૂછીને નિર્ણય લેશે!

Advertisement

કડીમાં ઉમેદવારને રેઢો મુકી બધા નેતાઓ વિસાવદરમાં ઉતરી પડયા, પછાતોનો માત્ર ઉપયોગ થતો હોવાનો આરોપ

વિસાવદર ધારાસભ્યની પેટાચુંટણીમાં આમ આદમી પાર્ટીના જબરા વિજય બાદ હવે આપમાં આંતરીક અસંતોષ ભડકયો છે અને આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અચાનક જ પાર્ટીના નેતાઓથી નારાજ થઇને વિધાનસભાના દંડક સહીત પાર્ટીના તમામ હોદાઓ પરથી રાજીનામુ આપી દેતા ભારે ખળભળાટ મચી ગયો છે. જો કે ધારાસભ્યપદેથી મકવાણાએ રાજીનામુ આપ્યુ નથી અને આ અંગે જનતાને પુછીને નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.

Advertisement

બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ વળતો રાજકીય પ્રહાર કરીને ઉમેશ મકવાણાને પક્ષ વિરોધી તથા ગુજરાત વિરોધી પ્રવૃતિ કરવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ટિવટ કરીને આ જાહેરાત કરી હતી.

બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યું હતું. ઉમેશ મકવાણા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા હતા. દંડકપદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં નિષ્ફળ રહી છે. હું આપના કાર્યકર તરીકે કામ કરતો રહીશ અને ધારાસભ્ય પદ છોડવા અંગે પ્રજાને પૂછીને નિર્ણય કરીશ.તેમણે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ પછાત સમાજનો અવાજ ઉઠાવતી નથી, વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે.

કડીમાં આપની હારને લઇને ઉમેશ મકવાણાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે બધા જ મોટા નેતાઓ વિસાવદરમાં હતા, કડીમાં કોઇ હાજરી ન હતી. કડીમાં મોટા નેતાઓની ક્યાંય હાજરી જોવા મળી ન હતી. કડીમાં દલિત સમાજનો ઉમેદવાર 10 લાખની લોન લઇને લડતો હતો તે આજે એકલો છે. ગોપાલ ઈટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઉતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો કારણ કે એ દલિત સમાજના હતા.
મેં જે ઉદ્દેશ્યથી આમ આદમી પાર્ટી જોઇન કરી હતી તેમાં મને ક્યાંકને ક્યાંક ઉણપ જણાઇ રહી છે. ત્યારે વિધાનસભાના દંડક તરીકેની જવાબદારી હતી, જેથી રાજ્યના જોઇન્ટ સેક્રેટરી અને દંડક પદેથી રાજીનામું આપુ છું. મેં અરવિંદ કેજરીવાલને વોટ્સએપ કરી દીધું છે અને અપીલ કરી છે કે મને પાર્ટીના દરેક પદ પરથી જવાબદારીમાંથી મુક્ત કરે અને મારી જગ્યાએ કોઇ સારા વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે.

ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે હું બોટાદની જનતાને પૂછીને નિર્ણય કરીશ, હું મારી જનતાને અધવચ્ચે મૂકીશ નહી. જો રાજીનામું આપીશ તો અપક્ષ લડીશ કે નવી પાર્ટી બનાવીશ એ આગામી સમયમાં નક્કી કરીશ. ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક યોજાવવાની છે.

ઉમેશ મકવાણા આપમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યા બાદ પાર્ટીએ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આ અંગે ઇસુદાન ગઢવીએ સત્તાવાર જાહેરાત કરી હતી. બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી સામે બાંયો ચડાવતાં આજે (ગુરૂૂવારે) દંડક અને જોઇન્ટ સેક્રેટરી સહિતના તમામ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પાર્ટીએ કડક કાર્યવાહી કરતાં ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરતાં કર્યા છે અને પાર્ટી પક્ષવિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા ઓબીસી સમાજ અને પછાત વર્ગના નેતાઓનો ચૂંટણીમાં માત્ર ઉપયોગ થાય છે અને ચૂંટણી બાદ તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement