For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થાનમાં ગરબા આયોજનમાં ધીંગાણું, ત્રણ રાઉન્ડ ફાયરિંગ

01:14 PM Sep 24, 2025 IST | Bhumika
થાનમાં ગરબા આયોજનમાં ધીંગાણું  ત્રણ રાઉન્ડ ફાયરિંગ

સાત શખ્સો સામે સામસામી ફરિયાદ: પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Advertisement

થાનના આંબેડકરનગરમાં નવરાત્રીના પ્રથમ રાત્રે જ ગરબાના આયોજન વચ્ચે બે જૂથ વચ્ચે મારામારી બાદ હવામાં ફાયરિંગનો બનાવ બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે થાન પોલીસ મથકે સામ સામે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. બનાવને પગલે ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

થાનના નવાગામ રોડ પર આંબેડકરનગર-5મા રહેતા હંસાબેન મુકેશભાઈ વાઘેલાના ઘરની પાસે ગરબી ચોકમાં નવરાત્રીના તહેવારને ધ્યાને લઈ વર્ષોથી ગરબા રમી રહ્યાં છે જેમાં પ્રથમ નોરતે ગરબા રમવાના હતા પરંતુ આજ વિસ્તારમાં રહેતા બે શખ્સોએ ગરબા રમવાના સ્થળ પર ચોકમાં સફાઈ કામગીરી ચાલી રહી હોય તે જગ્યાએ આવી ગરબા રમવા બાબતનું મનદુ:ખ રાખી લાકડી, લોખંડનો પાઈપ વડે હંસાબેનના દિકરા સાગર તેમજ અજય અને ફરિયાદીના ફુઈના દિકરા દિનેશભાઈને એકસંપ થઈ મારમારી બંને પાસે રહેલ પિસ્તોલમાંથી 3-3 રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Advertisement

જે અંગે હંસાબેનએ થાન પોલીસ મથકે બે શખ્સો બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બન્ટુભાઈ કાંતિભાઈ પરમાર બંને (રહે.આંબેડકરનગર-5, થાન) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જ્યારે સામાપક્ષે બાબુભાઈ રાજાભાઈ પરમારએ જણાવ્યું હતું કે આ ગરબી દરમિયાન છેડતીના બનાવો તેમજ દિકરીઓ ભાગી ગઈ હોય બાબુભાઈ તથા તેમના કાકાના દિકરા બન્ટુભાઈ પરમારે ગરબી ચોકે જઈ ભરતભાઈ, શીલુભાઈ, મનુભાઈ સહિતનાઓને ગરબીનું આયોજન નહીં કરવા માટે સમજાવવા ગયા હતા.

પરંતુ મનુભાઈએ ગરબી ચાલુ થશે તેમ જણાવી ફરિયાદી તથા તેમના કાકાના દિકરા સાથે બોલાચાલી કરી ગાળો આપી તમામ શખ્સોએ લાકડીનો એક ઘા બાબુભાઈના તેમજ એક ઘા બન્ટુભાઈના માથામાં મારી ઈજાઓ પહોંચાડી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જે બાબુભાઈએ (1) ભરતભાઈ પાલાભાઈ રાઠોડ (2) શીલુભાઈ માયાભાઈ રાઠોડ (3) મનુભાઈ પાલાભાઈ રાઠોડ (તમામ રહે.આંબેડકરનગર-5 થાન) અને બે અજાણ્યા શખ્સો સહિત કુલ પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

નવરાત્રીના પ્રથમ નોરતે થાન શહેરી વિસ્તારમાં ગરબીનું આયોજન કરવા બાબતે રાઉન્ડ ફાયરીંગનો બનાવ બનતા એલસીબી, એસઓજી, થાન પોલીસ સહિત ડીવાયએસપી, ડીએસપી પ્રેમસુખ ડેલુ સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement