પુરવઠા કચેરીના ઓપરેટરોના પગારનો વિવાદ, કોન્ટ્રાક્ટ આપવામાં લોચો લાગ્યો?
રાજકોટ જિલ્લા પૂરવઠા કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓના પગારમાં અચાનક તોતીંગ ઘટાડો આવતા છેલ્લા ત્રણ માસથી કરાર આધારિત ઓપરેટરોએ પગાર સ્વીકાર્યો નથી. જવાબદાર અધિકારની ભૂલના કારણે કોકડુ ગુંચવાતા હવે સુધારા દરખાસ્ત કરવી પડે અથવા તો ટેન્ડર પ્રક્રિયા જ નવેસરથી કરવી પડે તેવી સ્થિતિ સર્જાયેલ છે.
મળતી માહિતી મુજબ પુરવઠા વિભાગમાં આઉટ શોર્સથી ઓપરેટરો પુરા પાડતી એજન્સીનો કોન્ટ્રાક્ટ પુરો થતાં નવી એજન્સીને કામ આપવામાં આવ્યું છે. પરંતુ પુરવઠા ખાતાના ધારા-ધોરો અને નિયમો મુજબ પુરવઠા નિયામક કક્ષાએથી ટેન્ડર પ્રક્રિયા કરી નવો કોન્ટ્રાક્ટ આપવાના બદલે કલેક્ટર કચેરી દ્વારા મહેસુલ વિભાગના ધારા-ધોરણો મુજબ ટેન્ડર બહાર પાડી જે એજન્સીને મેનપાવર સપ્લાયનું કામ આપવામાં આવ્યું તે જ એજન્સીને જિલ્લા પુરવઠા કચેરીએ પણ કામ આપી દેતા ગુંચવાડો સર્જાયો છે.
હકિકતમાં પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા કરાર આધારિત ઓપરેટરોને માસિક રૂા. 14,500 ઉપરાંત અન્ય લાભો આપવાની સરકારની જોગવાઈ છે. જ્યારે કલેક્ટર હસ્તકના કરાર આધારિત ઓપરેટરોનું વેતન ધોરણ રૂા. 12,700છે.
આમ પુરવઠા ખાતાએ કલેક્ટર કચેરીના ધારા-ધોરણો મુજબ મંજુર થયેલ એજન્સીને વિચાર્યા કે નિયમો જાણ્યા વગર કોન્ટ્રાક્ટ આપી દેતા પુરવઠા વિભાગના ઓપરેટરોના માસિક પગારમાં રૂા. 1800નો ઘટાડો થઈ જતાં દેકારો મચી ગયો છે અને ગત એપ્રિલ માસથી પુરવઠાના ઓપરટરોએ પગાર સ્વીકારવાનું બંધ કરી દેતા કોકડુગુંચવાયું છે.
હવે પુરવઠા અધિકારી પોતાના વિભાગના નિયમો મુજબ ટેન્ડર પાડે અથવા સીધી સુધારા દરખાસ્ત કરી ઓપરેટરોનો પગાર વધારી આપે તો જ મામલો થાળે પડે તેવી સ્થિતિ સર્જાયેલ છે.
હાલ પૂરવઠા વિભાગમાં જિલ્લાભરમાં ફરજ બજાવતા 36 જેટલા ઓપરેટરોએ વિવાદનો ઉકેલ આવે નહીં ત્યાં સુધી પગાર સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.