આફતનો વરસાદ : ગીર સોમનાથ જળબંબાકાર
36 કલાકમાં દીવ-10, સુત્રાપાડા-9॥, માંગરોળ-8॥, લોઢવામાં 6 ઇંચથી વધુ પાણી વરસ્યુ
ગુજરાત સહીત સૌરાષ્ટ્રમા છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. જેમા ખાસ કરીને ગીર સોમનાથ જીલ્લામા 1 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. ખેતરો પાણીમા ગરકાવ થઇ જતા ખેડુતોનાં મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. છેલ્લા 36 કલાકમા દિવ 10, સુત્રાપાડા 9॥, માંગરોળ 8॥ અને લોઢવામા 6 ઇંચ પાણી વરસી ગયુ હતુ. નદીઓમા ઘોડાપુર આવતા અનેક જળાશયોમા વરસાદી પાણીની નવી આવક નોંધાઇ છે. અમરેલી પંથકમા મીની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતા ઠેર ઠેર વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
સૌરાષ્ટ્રમાં હવે આફતનો વરસાદ પડયો છે. રવિવારની રાતથી આજ સાંજ સુધીમાં સાર્વત્રિક 1થી 10 ઈંચ સુધી વરસાદ ખાબકતા દીવ, સુત્રાપાડા, માંગરોળ, વેરાવળ, વિસાવદર, કોડિનાર, તાલાલા સહિતના શહેરો જળબંબાકાર બની ગયા છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભારે તારાજીના અહેવાલ મળી રહ્યા છે.અમરેલી, સોમનાથ, સોરઠમાં ખેતીપાક અને મિલક્તને નુકશાન થયું છે. ભારે વરસાદના કારણે ફરી નદી-નાળા અને ડેમ છલકાયા છે.
છેલ્લા 36 કલાકમા ગીર સોમનાથ જીલ્લામા સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસી ગયો હતો. સુત્રાપાડામા ગઇકાલે 8॥ ઇંચ તેમજ માંગરોળમા 4॥ ઇંચ વરસાદ બાદ વધુ 4 ઇંચ પાણી વરસી ગયુ હતુ. તાલાળા, કેશોદ, માળીયા હાટીના ર॥ ઇંચ, ઉના, પાટણ , સુત્રાપાડા, દ્વારકા 1॥ ઇંચ, કોડીનાર , નવસારી, ગીર ગઢડા, વંથલી 1 ઇંચ , ગોંડલ , જુનાગઢ, પોરબંદર , બાબરા અડધો ઇંચ તેમજ કલ્યાણપુર, લોધીકા, ધ્રોલ, રાજુલા સહીતનાં પંથકમા ભારે ઝાપટા વરસી ગયા હતા.
છેલ્લા 36 કલાક દરમ્યાન દીવ, સુત્રાપાડા સહીતનાં પંથકમા અનરાધાર 10 ઇંચ પાણી વરસી ગયા બાદ લોઢવા તથા આજુબાજુના ગામડામા ગઇ રાત્રી ભારે ગાજ વીજ સાથે ભારે વરસાદ થતા 6 ઇંચ જેટલો વરસાદ થયેલ છે. આ વિસ્તાર મગફળીનાં પાકનુ વાવેતર આગતરુ થયેલ છે જે મગફળી હાલ પાકી જતા તેને લણવાનુ કામ પુર જોશમા છે તેથી ખેતરોમા મગફળીનાં પાથરા ખેતરોમા તણાયા છે તેમજ પલળી જવાથી ખેડુતોને ઘાસ ચારો ફેઇલ થયો છે તેમ જ મગફળીને પણ ભારે નુકશાન થયેલ છે ખેડુતોનાં મોઢે આવેલ કોળીયો છીનવાઇ જતા આ વિસ્તારનાં ખેડુતોને મોટી નુકશાન થયેલ છે.
ભાવનગરમા છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. આજે મંગળવારે સવારે તડકો નીકળ્યો હતો. હવામાન ખાતાની વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં ઉઘાડ નીકળતા લોકોમાં રાહતની લાગણી જન્મી છે. ગોહિલવાડ પંથકમાં આજે સવારથી ઉઘાડ નીકળ્યો હતો. તેમજ છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. આજે સવારે ભાવનગરનું લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાયુ થયું હતું. સવારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 80% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 20 કી.મી. પ્રતિ કલાક રહી હતી. છેલ્લા બે દિવસથી ભાવનગરમાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે.