ભવનોની જર્જરીત હાલત, કુલપતિને અપાયા બકડિયા-રેતી-સિમેન્ટ
સૌ.યુનિ.ના ડિપાર્ટમેન્ટોની દુર્દશા થવા છતા નક્કર કાર્યવાહી નહીં થતા છાત્ર યુવા સંઘર્ષ સમિતિનો અનોખો વિરોધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત આવતા વિવિધ ભવનોમાં ચોમાસાના પ્રારંભે જ મોટા પ્રમાણમાં ભવનની છત - દિવાલોમાં ભેજ આવવો અને પાણી પડવું અને છતમાંથી પોપડા ખરી રહ્યા છે, ત્યારે તેનાથી વિદ્યાર્થીઓ -અધ્યાપકો પર જોખમ સર્જાયું છે. ત્યારે CYSS દ્વારા યુનિ. ખાતે કુલપતિને ભવનોની હાલત સુધારવાની ગંભીરતા સમજાવવા રેતી - સિમેન્ટ આપી હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થિત વિવિધ ભવનોમાં વરસાદે આફત સર્જી છે. સામાન્ય વરસાદમાં છતમાંથી પાણી પડવાની સાથે જર્જરીત બાંધકામની પોલ પણ ખુલી ગઈ છે. જેમાં બાયોસાયન્સ ભવનમાં છતમાંથી લોખંડના સળિયા દેખાવાની સાથે ભારે ભેજ તેમજ જીવતા વીજ વાયરે જોખમ સર્જાતા 2 માળના બિલ્ડીંગના ઉપરના માળે ભણતા વિદ્યાર્થીઓને અન્ય સેન્ટરમાં શિફ્ટ કરવા પડ્યા છે. જ્યારે મનોવિજ્ઞાન ભવનમાં લેબોરેટરી, લાઇબ્રેરી અને 2 વર્ગખંડમા વરસાદી પાણી ટપકતા મુશ્કેલી સર્જાઈ છે. આ સાથે જ ઇલેક્ટ્રોનિક્સ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, કાયદા, હોમ સાયન્સ, લાઇબ્રેરી સાયન્સ અને હિન્દી ભવનમાં ચોમાસામાં છતમાંથી પાણી ટપકવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે, તેથી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, મંત્રી કેયુર દેસાઇ, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી અને ટીમ દ્વારા માંગ કરવામાં આવી કે, ભવનોની જર્જરિત હાલતને તાત્કાલિક સમારકામ કરી સરખી કરવામાં આવે, પાણી આવવાના પ્રશ્નનો નિકાલ કરવામાં આવે - જેથી કોઈ જાનહાની ન થાય, કેમ્પસની બંધ લાઇટો ચાલુ કરાવવામાં આવે - જેથી રાત્રે કોઇ અનિચ્છનીય ઘટના ન બને. જો આમ કરવામાં નહીં આવે તો, ભવનોના જર્જરિત હાલતને લીધે એક પણ વિદ્યાર્થીને કોઈ ઇજા થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની માનવામાં આવશે.