રેલવે સ્ટેશને દિવ્યાંગોને મુશ્કેલી, જય છનિયારાની વ્યથા
પ્લેટફોર્મ નં-4ની લિફ્ટ બંધ થતા પગથિયાં ચડવા મજબૂરી: સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ
રાજકોટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર લિફટની સુવિધા નહી હોવાથી દિવ્યાંગ અને અશકત યાત્રિકોને ના છુટકે પગથીયા ચડવા પડતા હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. આ અંગે રાજકોટ હાસ્ય કલાકાર જય છનીયારા દ્વારા સ્ટેશન પર પડતી મુશ્કેલીનો વિડિયો સોસિયલ મિડિયામાં વાઇરલ કરી તંત્ર સામે વ્યંગાત્મક રોષ ઠાલવ્યો છે.
હાસ્ય કલાકાર જય છનીયારાએ પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં ફક્ત એક લિફ્ટનાં બંધ થવાને કારણે દીવ્યાંગો પરેશાન થતા જોવા મળે છે. તેમણે રેલવે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને એના સુધારણા માટે આકરી માંગણી કરી છે. આ સમસ્યા, જે દરરોજના મુસાફરી માટેની એક મોટી અડચણ બની ગઈ છે, તેને હલ કરવાનો સમય આવી ચૂક્યો છે.
અહીં પ્રશ્ન એ થાય છે કે, આખરે કેમ વારંવાર આ લિફ્ટ બંધ થઈ જાય છે? આ લિફ્ટનું કાયમી નિરાકરણ આવવું ખુબ જ જરૂૂરી છે. કારણે કે, લિફ્ટ બંધ હોવાના કારણે દિવ્યાંગજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. નોંધનીય છે કે, રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર લિફ્ટ બંધ હોવાના કારણે દિવ્યાંગોને પગથિયા ચડી જવું પડે છે. સ્વાભાવિક છે કે, જે દિવ્યાંગોને ચાલવામાં પણ તકલીફ પડતી હોય તે પગથિયા કેવી રીતે ચઢી શકે? આ મામલે અત્યારે રેલવે તંત્રની કામગીરી પર અનેક સવાલો મુસાફરોમાં ઉઠી રહયા છે.
જાન્યુઆરીના અંતમાં સંભવિત સુવિધા મળતી થશે : રેલવે
જય છનિયારાના વાયરલ થયેલા વિડિયો બાદ રેલવેના સુત્રોએ જણાવ્યુ છે કે હાલ રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર લીફટની કામગીરી ચાલી રહી છે જે સંભવિત જાન્યુઆરીના અંતમાં કામગીરી પૂર્ણ થતા મુસાફરોની સુવિધા માટે શરૂ કરી દેવામાં આવશે હાલ પાર્સલ ઓફિસ નજીક રસ્તો બનાવી અને ત્યા અશકત મુસાફરો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવે છે ઉપરાંત બેટરી ઓપરેટર કાર માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.