કાયદા ભવનના છાત્રો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ર્ક્યો અન્યાય?
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનેક લાલીયાવાડી બાદ વધુ એક ગંભીર છબરડો બહાર આવ્યો છે. બાર કાઉન્સિલની મંજૂરી વગર જ અનેક કોલેજોને LL.M ની મંજૂરીમાં હાઇકોર્ટની લપડાક બાદ હવે વધુ એક વખત અંધેર વહીવટનો ભોગ કાયદા ભવનનાં વિદ્યાર્થીઓ બન્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં કાયદા ભવનનાં અનુસ્નાતકમાં અભ્યાસ કરતાં આશરે 25 જેટલા વિદ્યાર્થીઓનાં સેમ.-1 તથા સેમ.-2 નાં પેપર, પરીક્ષા વિભાગે આંતરિક પરિક્ષકો પાસે મૂલ્યાંકન (કક.ઇ.ની જેમ) કરાવવાની જગ્યાએ બાહ્ય યુનિવર્સીટીનાં પરિક્ષકો પાસે મૂલ્યાંકન કરવા મોકલી દેવાતા, મોટા ભાગનાં વિદ્યાર્થીઓને મનઘડત રીતે મૂલ્યાંકન કરીને નાપાસ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ગયા વર્ષે જૂન-2023માં LL.Mમાં યુનિવર્સીટી દ્વારા આશરે 30 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવેલ, જેમાંથી આશરે 25 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાયેલ. પરંતુ, એડમિશનનાં એક વર્ષ જેટલા લાંબા સમય બાદ સેમ.-1ની પરીક્ષા તા. 27/06/2024નાં રોજથી લેવામાં આવેલ હતી. તેમજ, આ પરીક્ષા બાદ ખુબ ટૂંકા સમયમાં જ એટલે કે તા. 12/08/2024નાં રોજથી સેમ.-2ની પરીક્ષા પણ લેવામાં આવેલ હતી. આમ, ટૂંકા ગાળામાં બબ્બે પરીક્ષાઓ લેવાયા બાદ બન્ને સેમેસ્ટરની પરીક્ષાઓનાં પરિણામ એક જ સાથે એટલે કે તા. 24/09/2024ના રોજ જાહેર કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત, અલગ-અલગ સમયે લેવાયેલી અલગ-અલગ સેમ.ની પરીક્ષાનાં પરિણામ એક સાથે આવતા પણ લાગી રહ્યું છે કે અહીંયા યોગ્ય રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી અને આ પરીક્ષાઓનાં પરિણામોમાં બહારની કોઈ યુનિવર્સીટીએ ગંભીર છબરડો આચરતાં, કાયદા વિભાગનાં અનુસ્નાતકનાં વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સામે પ્રશ્નાર્થ મૂકી દીધો છે.
આવી બેદરકારીનાં ભોગ બનેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા નિયામકને, કુલપતિને અને કાયદા ભવનનાં અધ્યક્ષને લેખિત રજુઆત કરીને જણાવ્યું છે કે સેમ.-1ની જવાબવહી નું મૂલ્યાંકન કરવામાં વધુ સમય લેવામાં આવેલ જ્યારે સેમ.-2ની જવાબવહીનું મૂલ્યાંકન કરવામાં ઓછો સમય લઈ, ટુંકા ગાળામાં જ બન્ને પરિણામો એક સાથે જાહેર કરાયા છે, જેથી જવાબવહીનું મૂલ્યાંકન ન્યાયિક રીતે થયેલ નથી. આમ, બાહ્ય યુનિવર્સિટીનાં નિરીક્ષકો દ્વારા રાગ દ્વેષ-પૂર્વક ખોટી રીતે મૂલ્યાંકન કરી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં કાયદા ભવનનાં અનુસ્નાતકમાં અભ્યાસ કરતાં મોટા ભાગનાં વિદ્યાર્થીઓને નાપાસ કરી તેઓ સાથે અન્યાય કરેલ છે. તેમ ચોલેરા અભી, ધાધલ યશપાલ, દુબે શ્ર્વેતા, હાંડા કાજલ, કારચલીયા ઝંખના કાદરાની ઋષિકેશ, મેઘાણી ધવલ, પીઠવા જય, સિંદપરા ધારા, સોજીત્રા જલ્પા, વાછાણી કાજલ, જયેશે રજુઆત કરી હતી.