અમિત ખૂંટને સગીરાએ જ ફસાવ્યો ? પોતાની ભૂલ સ્વીકારી
રીબડાના પટેલ યુવાનના આપઘાત પ્રકરણમાં નવો ખુલાસો, દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરાનો વીડિયો વાયરલ થતા ચકચાર
રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં અમિત ખૂંટ પર આક્ષેપ કરનાર યુવતી એક યુવક સાથે વાત કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જે યુવતી પોતે જ આ મામલે ફસાઈ હોવાની કબૂલાત કરતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં યુવતી સ્પષ્ટ પણે જણાવી રહી છે કે, તેને મકરાણી નામના ઈસમ દ્વારા અમિત ખૂંટને ફસાવવા માટે કહેવામાં આવ્યું હતુ.
મકરાણીએ જ પોતાને એક સોશિયલ મીડિયા આઈડી આપી હતી. જેની મદદથી અમિત ખૂંટ સાથે થોડા દિવસ સુધી વાત કરવાનું જણાવવામાં આવ્યું હતુ. આ વીડિયોમાં યુવતીએ ઉલ્લેખ કરી રહી છે કે, તેને અમિત ખૂંટ પર પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવી શકાય, તેવું કામ સોંપવામાં આવ્યું છે.
આ વીડિયોમાં આક્ષેપ કરનાર યુવતી સાથે કારમાં બેઠેલો યુવક તેને કહી રહ્યો છે કે, આવું ના કરાય. જેના જવાબમાં યુવતી પણ કહી રહી છે કે મનેય ખબર છે ના કરાય, પણ હવે થઈ ગયું. મારાથી મોટી ભૂલ થઈ ગઈ. આજ પછી ક્યારેય આવું નહીં કરું.
જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા યુવતીએ પોતે જ આ સમગ્ર પ્રકરણમાં પોતે ફસાઈ હોવાનો ઉલ્લેખ કર્યો જ હતો. જો કે હવે આ નવો વીડિયો વાયરલ થતાં વિવાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે. યુવતીના વાયરલ વીડિયોના કારણે અમિત ખૂંટ આપઘાત કેસની તપાસની દિશા બદલાઈ શકે છે. એવામાં હવે આ વીડિયોની સચ્ચાઈ તેમજ તેમાં ઉલ્લેખ કરવામાં આવેલ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
વાયરલ વીડિયો એક કાવતરું! સગીરાના વકીલ ભૂમિકા પટેલે જયરાજસિંહ પર કર્યા પ્રહાર
રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં વાયરલ થયેલા એક વીડિયોએ નવો વળાંક લીધો છે. મૃતક સાથે સંકળાયેલી સગીરાના વકીલ ભૂમિકા પટેલે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે, આ વીડિયો જયરાજસિંહ જાડેજાના ઈશારે વાયરલ કરવામાં આવ્યો છે. વકીલે સ્પષ્ટપણે કહ્યું કે, આ આખો વીડિયો એક કાવતરાનો ભાગ છે. તેમણે સ્વીકાર્યું કે વીડિયોમાં આવતો અવાજ સગીરા સાથે મળતો આવે છે, પરંતુ આ વીડિયોને તેઓ કેસને નબળો પાડવા માટેનું એક કાવતરું માની રહ્યા છે. આ આરોપ બાદ કેસની તપાસમાં એક નવી દિશા ખૂલી છે અને જયરાજસિંહનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે.
ભૂમિકા પટેલના જણાવ્યા મુજબ, હાલમાં સગીરા વડોદરાની રિમાન્ડ રૂૂમમાં છે. તેમણે કહ્યું કે, આ વીડિયો પૂર્વનિયોજિત રીતે વાયરલ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે, જેથી સગીરાના પક્ષને નબળો પાડી શકાય. આ કેસમાં પોલીસની ભૂમિકા અને તપાસની ગતિ પર પણ સવાલો ઉભા થયા છે. વકીલના આ ખુલાસા બાદ પોલીસ પર પણ દબાણ વધ્યું છે કે તેઓ વીડિયો વાયરલ થવા પાછળના કારણો અને તેમાં સંડોવાયેલા લોકોની ઊંડાણપૂર્વક તપાસ કરે. આ વીડિયોના કારણે અમિત ખૂંટના આત્મહત્યાના કારણો અંગેની દલીલોને પણ વધુ જટિલ બનાવી છે.
આ સમગ્ર ઘટનાક્રમથી એ સ્પષ્ટ થાય છે કે, આત્મહત્યાનો આ કેસ હવે માત્ર એક વ્યક્તિના મૃત્યુ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ તેમાં કાવતરા અને રાજકીય દબાણની શક્યતાઓ પણ ઊભરી રહી છે. સગીરાના વકીલના આ ખુલાસાએ પોલીસ અને કાયદાકીય તંત્ર માટે પડકારો ઉભા કર્યા છે. આ વીડિયો કોણે અને શા માટે વાયરલ કર્યો, તેની તપાસ થવી અત્યંત જરૂૂરી છે. આ કેસ હવે માત્ર કાનૂની લડાઈ જ નહીં, પણ સત્ય અને ન્યાય માટેની એક મોટી લડાઈ બની ગયો છે, જેમાં અનેક મોટા માથાં સંડોવાયેલા હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી.