તાપી નદીના બ્રિજ પરથી હીરાના કારીગરે પરિવાર સાથે લગાવી મોતની છલાંગ, માતા-પિતા સહિત પુત્ર પાણીમાં ગરકાવ
સુરતના કામરેજ તાલુકામાંથી દુખદ ઘટના સામે આવી છે. કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત થયાં છે. મૃતકોમાં માતા-પિતા અને પુત્ર સામેલ છે. આર્થિક સંકડામણના લીધે એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની માહિતી મળી છે. ફાયરની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા હતા.
મળતી વિગતો અનુસાર મૃતકો માતા-પિતા અને પુત્ર હોવાનું સામે આવ્યું છે. ત્રણેયએ ગલતેશ્વર મંદિર પાસે તાપી નદીના બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂ કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પરિવારે આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક પોલીસને આ બનાવની જાણ થતાં તે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હતા. મૃતક વિપુલભાઈ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા અને આર્થિક સંકડામળના પરિવારે આત્મહત્યા કરી છે.
મૃતકોનાં નામ
વિપુલભાઇ રવજીભાઇ પ્રજાપતિ (પિતા)
સરિતાબેન વિપુલભાઇ પ્રજાપતિ (માતા)
વ્રજ વિપુલભાઇ પ્રજાપતિ (પુત્ર)