ગુજરાતમાં ધુળેટીનો આનંદ શોકમાં ફેરવાયો, ડૂબી જવાથી 18નાં મોત
- કલોલ નજીક કેનાલમાં પાંચ અને કડી પાસે બે ડૂબ્યા, વડતાલમાં ત્રણ છાત્રોલ અને તળાજાના મણારમાં ત્રણ યુવાનોનાં મોત, પાલનપુરમાં નદી બે યુવાનોની જિંંદગી ખેંચી ગઇ
ગુજરાતમાં હોળી-ધુળેટીના તહેવારો દરમિયાન અલગ અલગ સાત ઘટનામાં ડુબી જવાના કારણે કુલ 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સૌથી મોટી ગોઝારી ઘટના ગાંધીનગર નજીક બની હતી. જેમાં પાંચ લોકો ડુબ્યા હતા. જયારે યાત્રાધામ વડતાલમાં તળાવમાં ડુબી જવાથી ત્રણ છાત્રના કરૂણ મોત નિપજયા હતા. તળાજા તાલુકાના મણાર ગામ પાસે પણ ચેકડેમમાં ડુબી જવાથી ત્રણ લોકો મોતને ભેટયા હતા. મોરબીની પાવડીયારી કેનાલમાં ડૂબી જતા એકનું મોત થયું હતું.
આ સિવાય પાલનપુમાં નદીમાં ડુબી જવાથી બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. તો વલસાડના પારડી તાલુકાના રાણા સ્ટ્રીટમાં રહેતા યુવકનું નદીમાં ડુબી જવાથી મોત થયું હતું. મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખરોડ ગામે ડુબીજવાથી બાળકે જીવ ગુાવ્યો હતો. ઉપરાંત કડી તાલુકામાં લુણાસણ ગામની સીમમાં આવેલી કેનાલમાં ડુબી જવાથી બે યુવાનોના કરૂણ મોત નિપજયા હતા.
સૌથી ગોઝારી દૂર્ઘટના ગાંધીનગર જિલ્લામાં બની હતી. ગાંધીનગરના કલોલ તાલુકાના ઉનાલી ગામ નજીક સાણંદ જવાના રોડ ઉપર નર્મદા કેનાલમાં કુલ પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ચાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ લોકો ડૂબ્યા હતા જેમાં હાલમાં બે પુરુષ અને બે સ્ત્રીની શોધખોળ અમદાવાદના થલતેજ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયુ સાધનો અને તરવૈયાઓ કરવામાં આવી રહી છે. મોરબીની પાવડીયારી કેનાલમાં હાર્દિક ભરતભાઇ આદિવાસી (ઉ.10)નું કેનાલમાં ડૂબી જતાં મોત થયું હતું.
બીજી ઘટના વલસાડ જિલ્લામાં બની હતી. પારડી તાલુકાના રાણા સ્ટ્રીટમાં રહેતો યુવકનું આજે રંગોત્સવની ઉજવણી કરીને પાર નદીમાં ન્હાવા માટે ગયો હતો. જ્યાં અચાનક નદીમાં ડૂબી જતા યુવકનું મોત થયું હતું.
યાત્રાધામ વડતાલમાં પણ ગોઝારી ઘટના બની હતી. 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ ધૂળેટી રમવા આવ્યું હતું. વડતાલ સ્થિત ગોમતી તળાવમાં આ 12 પૈકી 5 વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા હતા. જેમાં આ 5 વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા અને બુમરાણ મચાવતા સાથે આવેલા વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોએ 2 વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. જ્યારે 3 વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં લાપતા બન્યા હતા. બાદમાં તરવૈયાઓએ જરૂૂરી સાધન સાથે તળાવના પાણીમાં ઝંપલાવી લાપતા બનેલા ત્રણેય વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આ લાપતા વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
આસિવાય બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બાલારામ નદીમાં ડીસાના બે યુવકો ધૂળેટીનો પર્વ મનાવી ન્હાવા માટે પડ્યા હતા. જે ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તુરંત સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ પાલનપુર પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના તળાજામાં પણ ડૂબી જવાથી ત્રણના મોત નિપજ્યા હતાં. તળાજા તાલુકાના મણાર ગામ પાસે આવેલા ચેકડેમમાં નહાવા પડેલા રવિ મકવાણા, મુકેશ મકવાણા તેમજ અન્ય રવિ કુડેચાનું ડૂબી ગયા હતા. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગે ચેકડેમમાંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રંગોના આ પર્વ પર ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત નીપજતા ભાવનગર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં ડૂબી જતાં એક બાળકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ વિરપુર તાલુકાના ખરોડ ગામના રણજીતપુરા કંપાણી સીમમાં ખેત તાલાવડી હતી, જેમાં એક બાળક હાથ પગ ધોવા માટે ગયો હતો. જેનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું.