ધ્રોલ નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
ધ્રોલ નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. વિવિધ એજન્ડા મુદ્દાઓ પર સભ્યો વચ્ચે ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન કોઈ ખાસ વિવાદ સર્જાયો ન હતો, પરંતુ બહાર એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. મળતી માહિતી મુજબ ધ્રોલના નાગરિક રાજુભાઈ પરમારે અગાઉથી નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિતમાં અરજી આપી હતી કે તેમને સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવાની મંજૂરી આપવામાં આવે.
તેમ છતાં, આજની યોજાયેલી સામાન્ય સભામાં તેમને બેસવાની મંજૂરી ન આપવામાં આવતા રાજુભાઈ પરમાર રોષે ભરાયા હતા. રાજુભાઈએ આક્ષેપ કર્યો કે અગાઉથી મંજૂરી માટે અરજી કર્યા બાદ પણ અધિકારીઓએ નાગરિકના અધિકાર સાથે અન્યાય કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે નગરપાલિકા અધિનિયમ મુજબ સામાન્ય સભા ખુલ્લી હોવાની જોગવાઈ છે, ત્યારે સામાન્ય નાગરિકોને બેસવાની મનાઈ કેમ કરવામાં આવી રહી છે? રાજુભાઈએ આ મામલે ફરીથી લેખિત રજૂઆત કરવાની અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની વાત પણ કરી છે.
આ આખી ઘટનાને લઈ ધ્રોલ નગરપાલિકાના વલણ અંગે શહેરમાં ચર્ચા ચાલી રહી છે. કેટલાક નાગરિકો માને છે કે પારદર્શક પ્રશાસન માટે સામાન્ય સભાઓ નાગરિકો માટે ખુલ્લી હોવી જરૂૂરી છે, જેથી લોકો નગરપાલિકાની કામગીરીને નજીકથી સમજી શકે.