ધોલેરા-ભાવનગર હાઇવે ભીષણ માર્ગ અકસ્માત: બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક મહિલા અને ૪ પુરુષના મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત એ સમયે સર્જાયો જ્યારે ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ૫ લોકોના મોત થયાં છે. અકસ્માત સર્જાતા માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ધોલેરા પોલીસને બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રાહત બચાવ કાર્ય તથા ટ્રાફિક નિયમન શરૂ કરાવ્યું હતું. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક વિગતો અનુસાર, સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકોની વિગત
1.ગોરધનભાઇ ગોબરભાઈ ડોબરીયા
2.અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા
3.ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા
4.તીર્થ ગૌરવભાઈ ડોબરીયા
5.દિશાબેન કિરીટભાઇ પ્રબતાણી, પાલીતાણા