કાશ્મીરમાં શહીદ થયેલા ધામેલના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંંતિમ વિદાય અપાઇ
જમ્મુ-કાશ્મીરમાં દેશની રક્ષા કરતા આર્મીના જવાન શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના વીર જવાન મેહુલભાઈ ભરવાડને આજે તેમના વતન ઘામેલ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર ખાતે આંતકવાદી હુમલામાં શહીદ થયેલા શહીદના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
શહીદ મેહુલભાઈના પાર્થિવ દેહને પ્રથમ દામનગરની એમ.સી. મહેતા હાઈસ્કૂલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, જનકભાઈ તળાવીયા, મહેશભાઈ કસવાલા, જે.વી. કાકડિયા સહિત મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. દામનગરથી ઘામેલ સુધી શહીદની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. શહીદ મેહુલભાઈ અમર રહો અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ઘામેલ ગામમાં શહીદ મેહુલભાઈના નિવાસસ્થાને તેમના પરિવારજનો અને ગ્રામજનોએ ભારે હૈયે અંતિમ દર્શન કર્યા હતા. શહીદને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પૂર્ણ સન્માન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. શહીદની શહાદતથી ગામ અને સમગ્ર વિસ્તારમાં ગર્વની લાગણીની સાથે સાથે શોકની લાગણી પણ જોવા મળી હતી.ધામેલ ગામનો 30-32 વર્ષનો યુવાન મેહુલ આજે આપણી વચ્ચે નથી. તમે અહીં જોઈ શકો છો, અહીં ગર્વ પણ છે અને ગમ પણ છે. ગમ એટલા માટે છે કે, બે નાના સંતાનોનો પિતા પોતાના પરિવારને મૂકીને પરમાત્માને વ્હાલો થયો છે.
જ્યારે ગર્વ એ વાતનો છે કે, તે આપણા દેશ અને તેની માતૃભૂમિને ખાતર પરમાત્માને વ્હાલો થયો છે. આથી જ અમારો સમગ્ર જિલ્લો અને લાઠી સહિતનો તમામ વિસ્તાર તેના માટે ગર્વ અનુભવે છે કે, આપણો દીકરો કુદરતની વિષમ પરિસ્થિતિ વચ્ચે માભોમની રક્ષા કરવા માટે પાછો પડતો નથી અને બહાદુરી પૂર્વક મોતને વ્હાલું કરે છે.
તેમના પરિવારને જે કોઈ મદદની જરૂૂર હોય, અમે તમામ ધારાસભ્ય અને સાંસદ સહિત સમગ્ર જિલ્લો તેમની વ્હારે છે. જે કંઈ મદદની જરૂૂર હોય અમે અડધી રાતે પણ તેમની મદદ માટે તૈયાર છીએ, કારણ કે તેમના દીકરાએ દેશની રક્ષા ખાતર પોતાના પ્રાણની આહૂતિ આપી છે. આ દીકરાના અંતરાત્માને શાંતિ આપે, તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.