800 કરોડના ફ્રોડ GST બિલિંગમાં DGGIનો સપાટો, ચારની ધરપકડ
DGGI અમદાવાદ ઝોનલ યુનિટે ગુજરાતમાં ચાલી રહેલા ત્રણ મોટા GST ફ્રોડ કેસોનો પર્દાફાશ કર્યો છે. આ ત્રણેય કેસમાં કુલ ₹800 કરોડથી વધુના ફ્રોડ બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની લૂંટ ચલાવવામાં આવી હોવાનું તપાસમાં જણાયું હતું. આ કેસોમાં DGGI એ ચાર મુખ્ય આરોપીઓની 25થી 28 નવેમ્બર દરમિયાન ધરપકડ કરી છે.
અમદાવાદથી બદ્રે આલમ પઠાણ અને M/s A H Engineering Worksના માલિક તૌફિક ખાનની 27 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. વાસ્તવિક માલની ખરીદી વગર તૌફિક ખાને ₹45 કરોડના ફ્રોડ બિલ ખરીદીને નકલી આઇટીસીનો લાભ લીધો હતો, જેનાથી સરકારી ખજાનાને અંદાજે ₹9 કરોડનું નુકસાન થયું છે. આ સિન્ડિકેટેડમી ડિરેક્ટરો, નકલી ઓળખપત્રો અને વર્ચ્યુઅલ ઓફિસો બનાવીને ધંધો ચલાવ્યો હતો.
તપાસમાં અમદાવાદ, ચંદ્રપુર, મુંબઈ, રાજકોટ અને ભાવનગરમાં દરોડા પાડી અનેક શેલ કંપનીઓની વિગતો, મોબાઇલ-સિમકાર્ડ, ડિજિટલ રેકોર્ડ, બેંક ખાતાની માહિતી અને હવાલા ટ્રાન્ઝેક્શનના પુરાવા મળી આવ્યા છે. M/s Bharat Sanitary Fitting (જુનાગઢ)ના પાર્ટનર હાર્દિક સંજયભાઈ રાવલની 25 નવેમ્બરે ધરપકડ કરાઈ. તેણે 47 નકલી ફર્મો પાસેથી ₹110.57 કરોડના ફ્રોડ બિલ લઈ ₹28.02 કરોડનું નકલી ITC લીધું અને અન્યોને ₹83.64 કરોડના ફ્રોડ બિલ જારી કરી ₹20.24 કરોડનું ITC પાસ કર્યું હતું. તે આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.M/s Patel Metal Craft LLP (જામનગર) ના પાર્ટનર જયદીપ મુકેશભાઈ વિરાણીની 28 નવેમ્બરે ધરપકડ કરવામાંઆવી હતી. તેણે 40થી વધુ નકલી ફર્મો પાસેથી ₹121 કરોડના ફ્રોડ બિલ લઈ ₹22 કરોડનું નકલી ITC લીધું હતું. જામનગરની બ્રાસ-સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં ઘણી કંપનીઓ બિનહિસાબી વેચાણ છુપાવવા ફ્રોડ બિલનો ઉપયોગ કરતી હોવાનું પણ બહાર આવ્યું છે.