સોમનાથ મંદિરમાં 78મા સંકલ્પદિનની ભક્તિમય ઉજવણી
દેશની સ્વતંત્રતા સમયે જુનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ 13 નવેમ્બર 1947 ના રોજ સોમનાથ પહોંચ્યા હતા તે શુભ ઘડી ને આજે 77 વર્ષ પૂરા થયા છે.
જ્યારે સરદાર પટેલ સોમનાથ પહોંચ્યા હતા ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેઓએ સોમનાથ મંદીરનાં પુન:નિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સંક્લ્પ કર્યો અને આજરોજ આ સંકલ્પને 77 વર્ષ પૂર્ણ થયા છે. કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને પૂર્ણ થતો નિહાળવા જીવિત ન રહ્યાં, પણ આજે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારશ્રીની પ્રતિમા અવિરત શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી રહી છે. અને સરદાર વલ્લભ ભાઈ પટેલ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા જનસેવા અને યાત્રી સુવિધાના પ્રકલ્પો ને આશીર્વાદ આપી રહ્યા છે.
આજરોજ શ્રી સોમનાથ મંદિરના સંક્લ્પ દિવસ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ શુભ સંકલ્પ સાથે શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યા હતા.
જે દ્રવ્યથી પૂજારીગણ દ્વારા શ્રી
સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની આત્મશાંતિ અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજે મહાદેવને વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.