કાર્તિકી પૂનમે ચોટીલામાં ભાવિકોના ઘોડાપૂર, સવા લાખ ભાવિકો એ કર્યા માતાજીનાં દર્શન
ચામુંડાધામ ચોટીલામાં મંગળવાર રાતથી બીજા દિવસ સુધી માનવ પ્રવાહ અવિરત રહ્યો
હાઇવે ઉપર બંન્ને તરફ અડધો કિ.મી. દિવસભર નોન સ્ટોપ ટ્રાફિક સર્જાયો
ચામુંડાધામ ચોટીલામાં કાર્તકી પૂનમ પ્રસંગે લાખો માઈભક્તો ની ભીડ ઉમટી હતી મંગળવાર મોડી રાત્રી થી બુધવારની સાંજ સુધી યાત્રીકોનો પ્રવાહ અવિરત વહેતો રહેલ જેની અસર હાઇવે ચામુંડા ચોકડી થી બંન્ને તરફ દિવસભર નોન સ્ટોપ ટ્રાફિક જામ રહેલ હતો એક અંદાજ મુજબ સવા લાખ જેટલા યાત્રિકોએ માં ચામુંડાનાં દર્શનનો લ્હાવો લીધો હતો.
પૂનમ ભરતા હજારો રાજ્ય અને આંતર રાજ્યનાં ભક્તો સાથે વિશેષમાં મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના પદયાત્રા સંઘો માતાજીના રથ સાથે ચોટીલા ખાતે મોટી સંખ્યામાં આવેલ હતા.પૂનમના એક દિવસ અગાઉ જ અનેક પદયાત્રા સંઘો પોતાની યાત્રા ના પડાવ એવા માં ચામુડા ની તળેટી ખાતે પહોચી ચુકવ્યાં હતા. ડુંગર તળેટી વિસ્તાર આખી રાત્રી ધમધમ્યો હતો.
ભાવિકોનાં પ્રવાહને મેનેજ કરવા ડુંગર ટ્રસ્ટ દ્વારા ઉપર નીજ મંદિરના દ્વાર મોડી રાત્રીના જ ભાવિકો માટે ખુલ્લા મુકાયા હતા અને રાત્રીના બે કલાકે પ્રથમ આરતી કરવામાં આવેલ હતી. ઉતર ગુજરાત ના અનેક ગામોનાં સંઘો માતાજીના શણગારેલ રથ અને મોટી ધજાઓ સાથે શ્રધ્ધા ભેર વર્ષોથી પરંપરા મુજબ ચોટીલા આવેલ હતા. તળેટી અને ડુંગર પગથિયા જય માતાજીના જયઘોષ સાથે અવિરત ગુંજતો રહ્યો હતો.
ભાવિકોનાં અવિરત ભીડની અસર ચોટીલા નેશનલ હાઈવે ઉપર પણ જોવા મળેલ હતી જેના કારણે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલાની બંન્ને તરફ ટ્રાફિક ના દ્રશ્યો સામાન્ય બની ચુક્યા હતા.
કાયદો અને વ્યવસ્થા માટે ખાસ બંદોબસ્તમાં 220 થી વધુ ખાખી નો કાફલો તળેટી હાઇવે અને ડુંગર ખાતે મુકવામા આવેલ તેમ છતા ટ્રાફીક ને ખાળવા પન્નો ટૂકો પડ્યો હતો.
