દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ભાવનગર બદલી
નવા એસપી તરીકે અમદાવાદથી જયરાજસિંહ વાળાને મુકાયા
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે સોમવારે જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા આઈએએસ કક્ષાના 104 ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડરોમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આઈપીએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. જેમાં દ્વારકા જિલ્લાના એસપીને ભાવનગર તેમજ અમદાવાદના અધિકારીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિયુક્તિ આપવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે છેલ્લા આશરે ત્રણ વર્ષથી ફરજ બજાવતા નિતેશ પાંડેયની બદલી ભાવનગર એસ.પી. તરીકે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના એસ.ઓ.જી. વિભાગના ડી.સી.પી. જયરાજસિંહ વી. વાળાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમી સરહદના સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.પી. નિતેશ પાંડેય દ્વારા તેમના કાર્યકાળ દ્વારા દરમિયાન અનેકવિધ મહત્વની કામગીરી કરવામાં આવી છે.
જેમાં ખાસ કરીને ઓખા મંડળમાં વેપારીઓ સ્થાનિકોને ત્રાસ ગુજારી વ્યાપક રીતે પરેશાની સર્જતી આખી બિચ્છુ ગેંગને ઝડપી લઇ, તમામ સામે ગુજસીટોકના કાયદા તળે કડક કાર્યવાહી કરી, સ્થાનિકોને આવા તત્વોની હાલાકીમાંથી મુક્તિ અપાવી હતી. આ ઉપરાંત જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેચાતા આયુર્વેદિક સીરપની આડમાં નુકસાનકર્તા સીરપના પ્રકરણના મૂળ સુધી પહોંચીને અનેક ગુનેગારોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.આ સાથે પોલીસ વિભાગમાં પણ તેમણે નિયમિતતા અને કાયદા પાલનની બાબત પર ભાર મૂક્યો હતો. આમ, આ છેવાડાના જિલ્લામા એસ.પી. નિતેશ પાંડેયની આ કામગીરી ઐતિહાસિક બની રહેશે.