દેવાયત ખવડના જામીન મંજૂર, અમદાવાદ-સુરેન્દ્રનગરમાં પ્રવેશબંધી
સતત વિવાદમાં રહેતા એવા જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડને સહિતના સાત આરોપીના વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. સાતેય આરોપીઓને અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટે દેવાયત ખવડને 1 લાખના અને અન્ય આરોપીને 25-25 લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.
વેરાવળ કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે જામીન આપવાની સાથે કેટલીક શરતો મૂકી છે. જેમાં આરોપીઓએ દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહેવા સૂચન કર્યુ છે.
અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે, એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી.
આ બાબતનું મન-દુ:ખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 શખસો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો હતો.