પોતાનું બે કરોડ જેટલું ભંડોળ વાપર્યુ છતાં જીવદયા ઘર સંસ્થા બદનામ થઇ
બિમાર, અશક્ત, ઘરડા, પ્લાસ્ટિક ખાધેલા પશુ મનપાએ સંસ્થાને સોંપ્યા અને આંકડાની રમત ચાલુ થઇ ગઇ!
હિન કક્ષાના દુષ્પ્રચાર અને બદનામીથી વ્યથિત સંસ્થાએ સ્વેચ્છાએ સંચાલન છોડયા બાદ મ્યુનિ.કમિશનરને પત્ર લખી વ્યથા ઠાલવી
રાજકોટ શહેરમાં જીવદયા પ્રેમીઓમાં હાલમાં જ ખુબ ચગાવેલા ઢોર ડબ્બાના વિવાદને કારણે ભારે કચવાટ અને રોષ પ્રવર્તી રહ્યો છે. ઢોર ડબ્બાનું સંચાલન સંભાળનાર જીવદયા સંસ્થાએ આગામી 6 ઓકટોબરથી ઢોર ડબ્બાનું સંચાલન છોડવાની જાહેરાત કી છે અને સંસ્થા સામેના દુષ્પ્રચારને ખુુલ્લો પાડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને પણ પત્ર લખ્યો છે.
જીવદયા ઘરના ટ્રસ્ટી યશ શાહે પત્ર લખીને જણાવ્યું છે કે, અંદાજે બે વર્ષ થયા અમોએ ઢોર ડબાનું સંચાલન સંભાળી રહ્યા છીએ અને શકય એટલી ગૌમાતાઓ અને અન્ય અબોલ જીવોની સેવા કરવાનો દિલથી પ્રયત્ન કરેલ છે અને તે માટે સંસ્થાએ સહાય ઉપરાંત બહાર થી દાન મેળવી આશરે રૂૂ. 2 કરોડ જેવી માતબર રકમ આ અબોલ જીવોની સેવામાં ખર્ચ કરીને સેવા કરેલી છે. નીચે જણાવેલ વિગતો ધ્યાને લેવાં નમ્ર વિનંતી છે.
આ પત્રમાં આગળ જણાવાયું છે કે, સતત ત્રણ દિવસનાં વરસાદમાં મરેલ પશુઓ ઉપાડવા માટે અન્ય કોઈ વ્યવસ્થા થયેલ હોત તો મૃત્યુ પામેલા પશુઓ ભેગા ન થયા હોત. બિમાર પશુઓનું મરણ પ્રમાણ વધારે હોય છે કારણ કે બિમાર પશુઓને અમારી પહેલાં આરએમસી દ્વારા અન્ય પાંજરાપોળમાં મોકલી આપવામાં આવતાં હતા પરંતુ અમે સેવાભાવથી બીજે મોકલવાનું બંધ કરેલ જેથી આવા પશુઓનુ મરણ વધુ થવાની શકયતાઓ રહે છે. આપ જાણો છો કે ઢોર ડબ્બામાં આવતા પશુઓમાં મોટાં ભાગના બિમાર, અશક્ત, ઘરડા, દુધ વગરના, પ્લાસ્ટિક ખાધેલા હોય છે જેથી કાળજી લેવા છતાં મરણ પ્રમાણ હોય છે તેમાં પણ વરસાદ અને ઠંડી ના સમયે વિશેષ હોય છે.
આ ઉપરાંત સંસ્થાએ પોતાનું આશરે બે કરોડ જેટલું ભંડોળ વાપરી ચલાવેલ છે. ફક્ત ઓગસ્ટ મહિનામાં અમોએ ઘાસચારામાં રૂૂ. 20,19,547.50 (આ. દૈનિક રૂૂ.70,000), પગાર રૂા.1,80,000 મેડિકલ ખર્ચ રૂા.53,316 કુલ ખર્ચ રૂૂ. 22,52,863.50 કરેલો છે. જેમાં (છખઈ ની સહાય ઉપરાંત) લગભગ રૂૂ. 9.50 લાખનો ખર્ચ અમારી સંસ્થા એ કરેલ છે, જેની વિગતો આ સાથે સામેલ છે તેમજ અગાઉ પણ આપેલી છે.
1000 પશુઓને રોજ રૂા.70000નો ધાસચારો આપવામાં આવેલ છે તો ભુખ્યા કેવી રીતે રહે ?? પશુઓને ભુખ્યા રાખ્યા હોત તો પશુઓ જીવીત જ ન રહી શકે. પરંતુ કેટલાક મીડિયા ઈરાદાપૂર્વક સારા પશુઓની વાત કરતું જ નથી.
દિન પ્રતિદિન વધતી આટલી મોંઘવારીમાં નાના પશુઓના રૂા.35 અને મોટાં પશુઓના રૂૂ.50 માં પૂરું થઈ શકે જ નહીં. આપને પ્રાણી દીઠ અપાતી સહાય વધારવા વિનતિ કરેલ.
ઉપરોક્ત હકીકતો હોવાં છતાં ખોટા તત્વો અને અન્ય લોકો એ આ વિષય ઉપર મારી મચડીને ખોટા પ્રેસ રિપોર્ટ અને ખોટા ટીવી સમાચારો આપી અમોને બદનામ કરી રહેલ છે ત્યારે કેટલાક મીડિયાના ખોટા રીપોટીંગ સમયે અને સામાન્ય સભામાં વખતો વખત આરએમસી દ્વારા પ્રતિસાદ આપી સત્ય હકીકતો મૂકવામાં આવેલ હોત તો સારૂૂ હતુ.
તેમ છતાં અચાનક બે વર્ષ બાદ કેટલાક મીડીયા દ્વારા તથ્યહિન હિન કક્ષા આક્ષેપો શું કામ કરવામાં આવી રહ્યા છે???!!! એ વિચારવા જેવી ગંભીર બાબત રહેલી છે. આ પત્ર અને અમોએ આપેલ ઓગષ્ટ 2024ના ખર્ચની વિગતો આરએમસી દ્વારા પ્રેસમાં આપવા ખાસ વિનંતી છે. કેટલાક લોકો અને મીડિયાના તથ્યહિન, હિન કક્ષાના દૂષપ્રચાર,બદનામી થી વ્યથિત થઈ સ્વેચ્છાએ અમો તા.06/10/2024થી ઢોર ડબાનું સંચાલન દુ:ખ સાથે છોડી રહ્યા છીએ. તેમ છતાં અમારાથી અજાણતા કોઈપણ ક્ષતિ થયેલ હોય તો દરગુજર કરવાં વિનંતી છે.