ભુજથી રાજકોટ માટે ચાર મહિના પહેલાં ટ્રેનની જાહેરાત છતાં રેલવેએ આંતરિક આંટીઘૂંટીમાં ‘ટ્રેન’ અટકાવી!
સરકારી યોજનામાં કચ્છ-સૌરાષ્ટ્રને એક ગણવામાં આવે છે પણ આજની તારીખે રેલવેનો વિકાસ અહીં પહોંચ્યો નથી કારણકે બંને પ્રદેશો વચ્ચે રેલ સેવા જ નથી.ચાર મહિના અગાઉ ભુજ-રાજકોટ વચ્ચે રેલની જાહેરાત થઈ હતી પણ રેલવેએ આંતરિક આંટીઘૂંટીમાં ટ્રેન સેવાને અટકાવી દીધી છે.
મળતી વિગતો મુજબ, ભૂતકાળમાં વર્ષ 2003ની આસપાસ ભુજ રાજકોટ વચ્ચે આનંદ એક્સપ્રેસ દોડતી હતી.જોકે પ્રવાસીઓ ન મળતા હોવાનું કારણ આગળ ધરીને રેલવે દ્વારા એકાદ વર્ષમાં જ આ સેવા સમાપ્ત કરી દેવાઈ હતી.અઢળક રજૂઆતો બાદ બે દાયકા પછી ભુજ-રાજકોટ વચ્ચે રેલ સેવા શરૂૂ કરવા બાબતે રેલવે બોર્ડ દ્વારા પ્રસ્તાવિત શિડ્યુલ જાહેર કરાયું હતું.ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપીડ રેલ ચાલુ થઈ તે પૂર્વે ભુજ-ગાંધીનગર વચ્ચે ઇન્ટરસિટી ચાલુ હતી.
રેલવે બોર્ડ દ્વારા ઓગસ્ટ મહિનામાં પ્રસ્તાવિત શિડ્યુલ અપાયા બાદ અમદાવાદ ડિવિઝનલ કચેરીએથી પ્રપોઝલ મુકાયું અને પશ્ચિમ રેલવેની મુંબઈના ચર્ચગેટ સ્થિત વડીકચેરી દ્વારા આ બાબતે ખાતાકીય પત્ર લખી ભુજ-રાજકોટ વચ્ચે સ્પેશિયલ ભાડા સાથે ટ્રેન દોડાવવા જણાવ્યું હતું. જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, ભુજ-ગાંધીનગર ઇન્ટરસિટી બંધ થયા બાદ આ રેક ભુજ-રાજકોટ વચ્ચે દોડાવવામાં આવે.
ભુજથી સવારે 6.50 કલાકે ટ્રેન ઉપડી બપોરે 1.35 કલાકે રાજકોટ પહોંચી અને રાજકોટથી બપોરે 2.35 કલાકે ઉપડી 21:40 કલાકે ભુજ આવે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
પ્રસ્તાવિત શિડ્યુલ સામે આવતા લોકોમાં ખુશી ફેલાઈ હતી.જોકે ચાર-ચાર મહિના થવા છતાં આ ટ્રેન સેવા શરૂૂ કરવા બાબતે કોઈ ગતિવિધિ હાથ ધરાઈ નથી અને ભુજ-ગાંધીનગર ઇન્ટરસિટીના રેક પણ અન્ય ટ્રેનોમાં ફાળવી ગુમ કરી દેવાયા છે.જેથી નવી સેવા મળવાને બદલે હયાત સુવિધા છીનવાઈ હોવાનો વસવસો છે.