ઉત્તમ સ્થિતિનો દાવો છતાં રાજ્યના ખેડૂતો ઉપર 1.44 લાખ કરોડનું દેવું
ગુજરાતમાં વર્ષોથી ભાજપ સરકાર ખેતીનો વૃદ્ધિ દર બે આંકડામાં હોવાનો અને ખેડૂતોની સ્થિતિ ઉત્તમ હોવાનો દાવો કરે છે તેમ છતાં ખેડૂતો ઉપર દેવાનું જંગી ભારણ છે. ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી, ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક અને કોમર્શિયલ બેન્ક સહિતનું કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવુ છે. ત્રણે પ્રકારની બેન્કમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછુ હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે.રાજ્યમાં વર્ષોથી સિંચાઇ યોજનાઓ હેઠળ ખેડૂતોને પૂરતું પાણી, જરૂૂરિયાત મુજબ વીજળી અને કૃષિ પેદાશોને ટેકાના ભાવે ખરીદવામાં આવી રહી હોવાના સરકારના દાવા છતાં ખેડૂતોને ભારે દેવું કરવાની ફરજ પડી રહી છે. લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણા મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી છે.
જેમાં ગુજરાતમાં કોમર્શિયલ બેન્કોમાં 38.40 લાખ ખાતાના ખેડૂતો પર 1,11,459 કરોડ, સહકારી બેન્કોમાં 12.09 લાખ ખાતાના ખેડૂતો પર 22,546 કરોડ અને 5.28 લાખ ખાતાના ખેડૂતો પર 10,609 કરોડ રૂૂપિયાનું દેવુ બાકી છે. કુલ મળીને 55.77 લાખ ખાતાનું 1,44,614 કરોડ રૂૂપિયા થવા જાય છે. રાજ્યના ખેડૂતો એકંદરે સમૃદ્ધ ગણાતા હોવા છતાં અન્ય રાજ્યની સરખામણીમાં દેવાના આંકડાનું પ્રમાણ ખૂબ મોટુ છે.