કોન્ટ્રાક્ટરને 25 લાખનો દંડ છતાં રાજકોટ-જેતપુર હાઇવે પર 4 કલાક જામ
જનહિત હાઇવે હકક આંદોલન સમિતિ દ્વારા હાઇવે ચક્કાજામની ચિમકી, વાહનચાલકો હેરાન પરેશાન
રાજકોટ-જેતપુર સિક્સલેનનું કામ રાખનાર વરાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટ્રાફિક મેનેજમેન્ટ એન્ડ સેફટીમાં બેદરકારીના કારણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રૂૂ.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ ધીમા કામ સબબ 2 નોટિસ ફટકારવામાં આવી હોવાનું નેશનલ હાઈવે ઓથોરિટીના સુત્રોએ જણાવ્યું હતું. 13 જુલાઈના સાંજે 6 વાગ્યા બાદ હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જે બાબતે જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિના સભ્ય રોહિત રાજપૂત ત્યાં પહોંચ્યા હતા અને વાહન ચાલકોની સમસ્યાને દર્શાવી હતી. આ બાબતે થોડા દિવસોમાં જ આ સમિતિ દ્વારા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું. ચક્કાજામ પીપળીયા પાસે હતું.
રાજકોટ-જેતપુર સિક્સ લેનનું 67 કિલો મીટરનું કામ સપ્ટેમ્બર-2022માં 24 મહિનામાં પૂર્ણ કરવાની શરતે વરાહ ઈન્ફ્રાસ્ટ્રકચરને સોંપવામાં આવ્યું હતું. આ એજન્સી દ્વારા અત્યાર સુધીમાં માત્ર 20 કિલો મીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.47 કિલોમીટરનું કામ ચાલી રહ્યું છે. જેમાં 18 બ્રીજ, 14 ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે તેના કારણે વારંવાર ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાઈ છે.
અત્રે નોંધનીય છે કે, આ જ એજન્સીને રાજકોટ-અમદાવાદ સિકસ લેનનો પેટા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. રાજકોટથી બામણબોર સુધી એજન્સીને કામ આપવામાં આવ્યા બાદ એજન્સીએ સમયમર્યાદામાં કામ પુરૂૂ નહીં કરતા અડધો ડઝન વખત નોટિસ ફટકારવામાં આવી હતી. તે પછી રાજકોટ-જેતપુર સિક્સ લેનનો રૂૂ.1204 કરોડના પ્રોજેક્ટનું કામ આ એજન્સીએ 24 ટકા નીચા ભાવે રાખતા સરકારે આ પ્રોજેક્ટ સોંપ્યો છે. તેમાં પણ હવે એજન્સી દ્વારા હવે ધીમું કામ કરવામાં આવતા અને સિક્સ લેન બનાવવા માટે વૈકલ્પિક માર્ગ તૈયાર નહીં કરતા આ સમસ્યા સર્જાઈ છે.
છેલ્લા એકાદ પખવાડિયાથી રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેને લઈ કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂૂ કરવામાં આવ્યું છે. બબ્બે વખત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જ્યાં સુધી રોડ ટકાટક બને નહી ત્યાં સુધી ટોલ નહી વસુલવા માંગણી કરી હતી. તેના પગલે નેશનલ હાઈવે ઓથોરિટીએ વાહન ચાલકોને ટોલમાં 25 ટકા રાહત આપવાની જાહેરાત કરી છે. હવે નેશનલ હાઈવે ઓથોરિટીએ કામ કરનાર એજન્સી સામે લાલ આંખ કરી ટ્રાફિકજામ સબબ 25 લાખનો દંડ ફટકાર્યો છે.રાજકોટ-જેતપુર હાઈવેમાં ટ્રાફિકજામ ન થાય તે માટે 12 ક્રેઈન રાખવામાં આવી છે અને બન્ને ટોલ નાકા ખાતે વધારાની 2 ક્રેઈન પણ તૈનાત કરવામાં આવી છે. ગઈકાલે પીપળીયા પાસે જામ થયો હતો ત્યાં બેરીયર મુકી દેવામાં આવતા ટ્રફિકજામ થોડા કલાકોમાં ક્લીયર થઈ ગયો હતો.