આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની સુવિધાની ચકાસણી કરતા નાયબ કમિશનર ગુરવાની
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(ઈંઅજ)એ શહેરના વોર્ડ નં.2 માં આવેલ બજરંગવાડી આરોગ્ય કેન્દ્ર અને અમરજીતનગર આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ વિઝિટ દરમિયાન તેમણે આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી કેન્દ્રની સુવિધાની અંગે ચકાસણી કરી માહિતી મેળવી હતી તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા દર્દીઓ અને આંગણવાડીના બાળકો-વાલીઓ સાથે સંવાદ કર્યો હતો.
નાયબ મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ નં.2માં આવેલ આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી, આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સાથે ઓ.પી.ડી., દવાઓ અને લેબોરેટરી સંબંધી વિગતો અંગે વાતચીત કરી હતી.
સાથોસાથ સરકારના જુદાજુદા સ્વાસ્થ્ય સંબંધી પ્રોગ્રામના અમલીકરણ અંગે મેડીકલ ઓફિસરઓ અને સ્ટાફ સાથે રીવ્યુ કર્યો હતો. તેમજ તેમણે માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય સંબંધી સુચકોમાં સુધારો લાવવા બાબતે સુચનો કર્યા હતા. અમરજીતનગર આંગણવાડી કેન્દ્ર ખાતેની મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનરએ આંગણવાડીની સુવિધાની ચકાસણી કરી હતી તેમજ મમતા દિવસની પણ ચકાસણી કરવામાં આવી. નાયબ મ્યુનિસિપલ કમિશનરએ અતિ ગંભીર કુપોષિત બાળકોની સાથે મેડીકલ બાબતે સંવાદ કર્યો હતો. નાયબ કમિશનરની આ ફેરણી દરમિયાન તેમની સાથે આરોગ્ય શાખા અને આઈ.સી.ડી.એસ. શાખાના સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતાં.