વિધાનસભા સત્રમાં પ્રથમ દિવસે ખાડા અને ખાબડના મુદ્દે પ્રદર્શન
કોંગ્રેસ મનરેગા કૌભાંડ અને દાગીમંત્રી બચુ ખાબડનો મુદ્દો ઉઠાવ્યો : આમ આદમી પાર્ટીએ ખાડાથી પીડાતા વાહનચાલકોની વેદના રજૂ કરી
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રનો આજથી પ્રારંભ થતાં વિપક્ષ કોંગ્રેસે મનરેગામાં ચ ાલતા ભ્રષ્ટાચારના મામલે દાગી મંત્રી બચુ ખાબડ અને આમ આદમી પાર્ટીએ ભાંગી પડેલા રોડ-રસ્તા મામલે વિધાનસભાની લોબીમાં પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને સુત્રોચ્ચાર કર્યા હતાં.
ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર: આજથી ત્રિદિવસીય વિધાનસભા સત્રનો પ્રારંભ થયો છે. સત્ર શરૂૂ થતા પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કરીને સરકાર સામે મોરચો માંડ્યો હતો. કોંગ્રેસે મંત્રી બચુ ખાબડના તાત્કાલિક રાજીનામાની માંગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ પબચુ ખાબડ રાજીનામું આપોથના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના એક મંત્રીના પુત્રો દ્વારા મનરેગામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને તેમની ધરપકડ પછી પણ મંત્રીનું રાજીનામું શા માટે લેવામાં આવ્યું નથી તે પ્રશ્ન વણઉકેલ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મંત્રી કેબિનેટ મીટિંગો, વડાપ્રધાનના કાર્યક્રમો કે રાજ્યપાલના કાર્યક્રમોમાં પણ ગેરહાજર રહ્યા છે, જે તેમના તાત્કાલિક રાજીનામાની આવશ્યકતા દર્શાવે છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ આ મુદ્દે વધુ ગંભીર આક્ષેપો કર્યા હતા. એક મંત્રીના પરિવાર સામે ગંભીર આરોપો અને ધરપકડ પછી પણ મહિનાઓ સુધી મંત્રીને પદ પરથી દૂર ન કરવામાં આવ્યા નથી.
બીજી તરફ સત્રમાં હાજરી આપવા માટે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભા ખાતે પહોંચ્યા હતા. આ ત્રણેય ધારાસભ્ય ગુજરાતમાં કથળેલી રોડ-રસ્તાની ખરાબ સ્થિતિને લઈને જનતાનો અવાજ બનીને બેનર અને પોસ્ટર સાથે વિધાનસભામાં પહોંચ્યા હતા અને નારેબાજી કરી હતી. આ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી અને ખાડાવાળી સ્થિતિમાં છે. આ રસ્તા પરથી પસાર થતા લોકોના આ શરીરને, વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. લોકો ખૂબ દુ:ખી છે અને થાકી ગયા છે. આજે હું મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે જનતાના પ્રતિનિધિ તરીકે ગુજરાતની જનતાનો મુદ્દો લઈને આવ્યો છું. અમે એવી આશા રાખીએ છીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડ પરના ખાડા દેખાય, ખાડામાં પડેલા વાહનો અને ખાડામાં પડતા માણસોની પીડા દેખાય.
તેરા તુજકો અર્પણ... કોંગ્રેસનો મુદ્દામાલ પણ પરત કરો: કિરીટ પટેલ
ચોરાયેલી, ખોવાયેલી, રીકવર કરાયેલી વસ્તુઓ પરત કરવા કાર્યક્રમ યોજાય છે : હર્ષ સંઘવી
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના દંડક કિરીટ પટેલે ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમને લઈને ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકોનો ખોવાયેલો મુદ્દામાલ પરત કરો છો તો કોંગ્રેસનો મુદ્દામાલ પણ પરત કરો. તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો અંગે શાબ્દિક પ્રહારો કર્યા હતાં. આ દરમિયાન ગૃહમાં તમામ સભ્યો હસી પડ્યા હતાં. કોંગ્રેસના દંડક અને પાટણના ધારાસભ્યના આ ટોણાનો જવાબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો આવવા માટે પણ પ્રયત્ન કરતા હોય છે. રાજ્યમાં ચોરાયેલી, ખોવાયેલી, રીકવર થયેલી કે કબજે કરાયેલી ચીજવસ્તુઓ તેના મુળ માલિકને પરત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે.