વાવડીમાં ગેરકાયદે પાંચ દુકાનોનું ડિમોલિશન
સરકારી ખરાબા અને ગૌચરની જમીન પર એનકેન પ્રકારે કરેલા દબાણો હટાવવા સરકારના આદેશ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વાવડીમાં સરકારી જમીન પર કોમર્શીયલ બાંધકામ કરી અને સરકારી જમીન પર કબ્જો કરવામાં આવ્યો હતો. તેના પર આજે તાલુકાના મામલતદાર દ્વારા બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
કલેક્ટર કચેરીના જણાવ્યા મુજબ ગોંડલ રોડ પર આવેલ વાવડી ગામની સર્વે નં. 149ની 1000 ચોરસ મીટર સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા કબ્જો કરવામાં આવ્યો હતો. અને તેના પર કમાવવાના હેતુથી પાંચ જેટલા કોમર્શીયલ બાંધકામ ખડકી દેવામાં આવ્યા હતા. જેમાં આ ભૂમાફિયાઓને અગાઉ નોટીસ આપવામાં આવી હતી. પરંતુ નોટીસને અવગણતા તાલુકા મામલતદાર દ્વારા આજે ડિમોલેશનની કાર્યવાહી કરાઈ હતી.
આજે સવારે તાલુકા મામલતદાર દ્વારા પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે બૂલ્ડોઝર દ્વારા પાંચ જેટલા ખડકાયેલા કોમર્શીયલ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા અને અંદાજે રૂપિયા બે કરોડની કિંમતની સરકારી દબાણ મુક્ત જમીનને મુક્ત કરવામાં આવી હતી. જમીન ખઉલ્લી કરાવી અને જમીન ફરતે ફેન્સીં વોલ બાંધવાની કામગીરી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ધાર્મિક સહિત 2000થી વધારે દબાણો સરકારી અને ગૌચરની જમીન પર ખડકી દેવામાં આવ્યા છે. જેની સામે કલેક્ટર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. અને નોટીસને અવગણનાર સામે કલેક્ટર તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.