જામનગરના ગોરધનપરમાં ઇંટોના ભઠ્ઠા, હોટલ, મકાનોનું ડિમોલિશન
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામ પાસે આવેલી આશરે 100 વીઘા સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા માટે આજે તંત્ર દ્વારા મેઘા ડિમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને જામનગર ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા મેઘા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગોરધન પર નજીક મુખ્ય રોડ પાસે જ આવેલી અતિ કીમતી 100 વીઘા સરકારી જમીન, કે જેમાં અનેક ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા હતા, અને કાચા પાકા મકાનો - હોટલ, ઇટો ના ભઠ્ઠા વગેરે ખડકીને દબાણ સર્જી દેવાયું હતું.
જે તમામને તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપી દેવાઇ હતી, ત્યારબાદ આજે સવારથી ઉપરોક્ત વિસ્તારમાં પપીળો પંજો, પડ્યો છે, અને અનેક દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને ભારે અફડા તફડી મચી ગઈ છે. સ્થાનિકોના દેકારાની વચ્ચે પોલીસ પેહરો ગોઠવીને ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગોરધનપર ગામની સર્વે નંબર 103,104 અને 105 નંબરની કુલ 100 વીઘા જમીન છે, જેમાં હાલ ખેતી વિષયક ત્રણ દબાણો ખડકી દેવાયા હતા, ઉપરાંત ચાર ઈંટોના ભઠ્ઠા, 10 કાચા પાકા રહેણાક મકાનો, 4 થી 5 નાની હોટલો વગેરે ખડકી દેવાઇ હતી,જે તમામ દબાણોને હટાવવા માટેની આજે મોટાપાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જામનગર ગ્રામ્ય વિભાગના પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયાના સુપરવિઝનમાં ગ્રામ્ય વિભાગના મામલતદાર એમ.જે.ચાવડા અને તેઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.