વોર્ડ નં. 16માં ત્રણ માળના ગોડાઉનનું ડિમોલિશન
મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા લોકોની ફરિયાદો અને અગાઉ નોટીસ અપાયેલ હોય તેવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે સાંજે વોર્ડ નં. 16માં પુનિત સોસાયટી મેઈન રોડ ઉપર સંજના ફર્નિચરની બાજુમાં ટીપી રોડ ઉપર દબાણરૂપ ગેરકાયદેસર ગોડાઉનનું ત્રણ માળનું બાંધકામ તોડી પાડી રોડની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. તેમજ ઈસ્ટઝોનમાં વોર્ડ નં. 4 માં સેટેલાઈટ ચોકમાં ત્રણ દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સીટી ઈજનેર એમ.આર. શ્રીવાસ્તવના નિર્દેશન હેઠળ ગઈકાલે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા પૂર્વઝોનમાં આવેલ વોર્ડ નં. 16માં પુનિત સોસાસાયટી મેઈન રોડ સંજના ફર્નિચરની બાજુમાં આવેલ ગેરકાયદેસર ગોડાઉનનું બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવેલ જેમાં ફસ્ટ ફ્લોર પર આરસીસીનું બાંધકામ તેમજ સેક્ધડ ફ્લોર પર છતનું અને થર્ડ ફ્લોર પર બનાવેલ પતરાના શેડ સહિતનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ઘણા સમયથી આસામી દ્વારા અનઅધિકૃત રીતે વાણીજ્ય હેતુનું બાંધકામ કરેલ હોય આ અંગે ફરિયાદો પણ આવેલ જેના કારણે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે ટીપી વિભાગે 260-2ની નોટીસ આપેલ છતાં આસામીએ પોતાની જાતે બાંધકામ દૂર ન કરતા ટાઉન પ્લાનીંગ વિભાગે નોટીસની મુદત પૂર્ણ થતાં જ બપોર બાદ શેડ તોડવાની કામગીરી હાથ ધરી હતી.
વોર્ડ નં. 16માં પુનિત નગર મેઈન રોડ ઉપર ગોડાઉનના ડિમોલેશનની કામગીરી હાથ ધરી ટીપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ કામમાં ટાઉન પ્લાનીંગ શાખા પૂર્વઝોનનો તમામ સ્ટાફ તેમજ રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઈમરજન્સી વિભાગ, બાંધકામ શાખા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર હાજર રહ્યો હતો.