સામાકાંઠે ભલામણથી ઊભા થયેલા 4 માળના 4 બિલ્ડિંગોનું ડિમોલિશન
વોર્ડ નં.5 અને 6માં માથાકૂટ થયાની ચર્ચા: અગ્નિકાંડ બાદ બહેરી થઇ ગયેલ ટીપી શાખાએ અંતે કોઇની શેહશરમ રાખ્યા વગર બાંધકામો તોડી પાડ્યા
ચાર માળની ઈમારત રાતોરાત ન જ બની શકે: છાપેલા કાટલાઓ અને ભ્રષ્ટ અધિકારીઓના પાપે અનેક આસામીઓને રોવાનો વારો આવ્યો, લાખો રૂપિયા કટકટાવીને ભાગી ગયા, હવે શોધવા કયાં ?
શહેરના ઇસ્ટ ઝોન એટલે કે સામાકાંઠ ભયંકર ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. પરંતુ ભલામણો અને ભ્રષ્ટ્રાચારના કારણે આ પ્રકારના બાંધકામોને ઉની આંચ આવતી નથી. ત્યારે જ અગ્નિકાંડ બાદ ટીપી વિભાગે આળસ ખંખેરી આજે વોર્ડ નં.5 અને 6માં અગાઉ ભલામણો આધરે પૂર્ણતાના આરે પહોંચેલા ચાર-ચાર માળીયા બાંધકામો કોઇની શેહ શરમ વગર આજે તોડી પડવાની કામગીરી હાથ ધરતા અનેક ભલામણો સાથે અધિકારીઓ સાથે માથાકુટ થઇ હોવાની ચર્ચા જાગી હતી. છતા ડીમોલીશનની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
શહેરમાં ઇસ્ટ ઝોનમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામોના ભલામણોના આધારે થઇ રહ્યાની અને થઇ ગયાની ચર્ચા કાયમી રહેવા પામી છે. પરંતુ ગેેમ ઝોન અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ વિભાગ બેહરુ બની ગયુ હોય તેમ કોઇની ભલામણ સંભળતું નથી. આથી સામાકાંઠેથી ફરિયાદો ઉઠતા ઇસ્ટ ઝોન ટીપી વિભાગે આજે ચાર સ્થળે ડિમોલીશનની કામગીરી વહેલી સવારથી શરૂ કરી હતી. જેમાં વોર્ડ નં.5માં કૈલાશધારા મેઇન રોડ પર માર્જીનની જગ્યામાં બનતુ ચાર માળનું બિલ્ડિંગ તેમજ મારૂતિ નગર 50 ફૂટ રોડ પર પણ માર્જીનની જગ્યામાં તૈયાર થયેલ 150 વારનું 4 માળનું બિલ્ડિંગ તેમજ મેહુલનગર મેઇન રોડના છેડે માર્જીનની 500 ફૂટ જગ્યા ઉપર તૈયાર થતુ પાર્કિંગ ચાર માળનું બિલ્ડિંગ સહિતના ચાર બાંધકામો ઉપરબુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આજે વોર્ડ નં.5 અને 6માં ચાર ઇમરતો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવેલ. પરંતુ આ બિલ્ડિંગો તૈયાર થયા ત્યાં સુધી ટીપી વિબાગને ખબર કેમ ન પડીં તેવી ચર્ચા જાગેલ.
ત્યારે અંદરના સુત્રોના જણાવ્યા મુજબ આ ચારેય બાંધકામ માટે ભલામણ આવેલ હતી. તેમજ અમુક લોકોએ આ બાંધકામ કરનાર આસામી પાસેથી મોટો તોડ ર્ક્યાનું પણ ચર્ચાઇ રહ્યું છે. છતા આજે ટીપી વિભાગે આ ભલામણ વાળા ચારેય બાંધકામો તોડી પડતા તોડબાજ શખ્સોમાં ભય વ્યાપી ગયો છે.
આગામી દિવસોમાં બોલશે ધણધણાટી
સામાકાંઠે આજે ભલામણો વાળા ચાર માળના બાંધકામો તોડી પાડવાની હિંમત ઘણાસમય બાદ ટીપી વિભાગે કરી છે અને વિભાગમાંથી જણાવા મળ્યા મુજબ ભલામણો અને કટકી કૌભાંડથી આજસુધી થયેલા અનેક બાંધકામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે કોઇની શેહ શરમ રાખ્યા વગર આગામી દિવસોમાં તોડી પાડવામાં આવશે. જેના લીધે ભુમાફીયાઓ અને તોડબાજો હવે ગેરકાયદેસર બાંધકામો કરતા અચકાશે અને અનેક આસામીઓ ભલામણના આધારે બાંધકામો ર્ક્યા બાદ છેતરાયા છે. તેમાંથી બચી શકશે.