શિતલપાર્કમાં 22 મકાન, ઝૂંપડાનું ડિમોલિશન
- મનપાની વાણિજય હેતુની રૂા. 85.74 કરોડની 19054 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ
રાજ્યસરકારની સુચના અનુસાર મહાનગરપાલિકાએ પોતાની માલીકીના અલગ અલગ હેતુ માટે ફાળવવામાં આવેલા અનામત પ્લોટ પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી છેલ્લા ત્રણ માસથી શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ વોર્ડ નં. 2માં ટીપી સ્કીમ નંબર-9માં આવેલ વાણીજ્ય હેતુમાં પ્લોટ ઉપર થયેલા 22 કાચા-પાકા મકાન, ઝુપડાના દબાણો દૂર કરી રૂા. 85.74 કરોડની 19054 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ તા.12/03/ર0ર4ના રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અલગ-અલગ અનામત હેતુંના પ્લોટ પર થયેલ ગેરકાયદેસર દબાણદુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં 19054.00ચો.મી.ની અંદાજીત 85.74 કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે.
કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા રિઝર્વેશન પ્લોટ ખાલી કરવાની કાર્યવાહી દરમિયાન આજે સેન્ટ્રલઝોનમાં વોર્ડ નં. 2માં ટીપી ક્સિમ નંબર-9 રાજકોટ એફપીસી-4 વાણીજ્ય વેચાણ હેતુના શિતલપાર્ક મેઈન રોડ ઉપર મોચી નગરની બાજુમાં આવેલા પ્લોટ ઉપર થયેલા 22 કાચા-પાકા મકાનો તથા ઝુપડાઓ ઉપર બુલ્ડોઝર ફેરવી રૂા. 85.74 કરોડની 19054 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. ટાઉન પ્લાનીંગ વિભાગના જણાવ્યા મુજબ આ રોડ ઉપર હાલ બજારભાવ મુજબ પ્રતિ ચો.મી. 45 હજાર રૂપિયા ભાવ મુજબની ગણતરી કરવામાં આવી છે. આ ડીમોલેશનની કાર્યવાહીમાં ટાઉન પ્લાનીંગ વિભાગના તમામ આસિસટન્ટ, ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ, એન્જિનિયર, સર્વેયર, જગ્યારોકાણ વિભાગ, વર્ક આસિ. અને કાયદો વ્યવસ્થા જ્ળવાઈ રહે તે માટે વીજીલન્સનાપોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.